<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

“પ્રેમમાં દિલ તૂટવું એ આત્મહત્યાની ઉશ્કેરણી નથી!”: દિલ્હી હાઈકોર્ટનો પ્રેમ સંબંધો અને બ્રેકઅપ પર ઐતિહાસિક ચુકાદો

સંબંધોનું તૂટવું એ જીવનનો ભાગ છે, ગુનો નહીં : ધર્મ પરિવર્તનના દબાણ અને આત્મહત્યાના આરોપમાં ફસાયેલા પ્રેમીને મળ્યા જામીન: સુસાઇડ નોટના અભાવે કાયદાએ આરોપીને આપી રાહત

નવી દિલ્હી:  આજના આધુનિક યુગમાં બદલાતા પ્રેમ સંબંધો અને તેના કરુણ અંજામ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કાનૂની માર્ગદર્શક ગણાય તેવું અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રેમ સંબંધમાં ભંગાણ પડવું કે હૃદય તૂટવું (Heartbreak) એ આત્મહત્યા માટેની કાયદેસરની ઉશ્કેરણી ગણી શકાય નહીં. જસ્ટિસ મનોજ જૈનની બેન્ચે ૨૭ વર્ષીય યુવતીના આત્મહત્યા કેસમાં આરોપી નૂર મોહમ્મદને જામીન આપતા ટાંક્યું હતું કે, સંબંધો તૂટવા એ આજકાલ સામાન્ય બાબત છે અને જો કોઈ વ્યક્તિ આનાથી નાસીપાસ થઈને જીવ ટૂંકાવે છે, તો તેના માટે તેના પાર્ટનરને જવાબદાર ઠેરવી શકાય નહીં.

આ કેસની વિગત મુજબ, ઓક્ટોબર ૨૦૨૫માં એક યુવતીએ ગળે ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. યુવતીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે નૂર મોહમ્મદ નામના યુવકે લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કર્યું હતું અને બાદમાં બીજા કોઈ સાથે લગ્ન નક્કી કરી લેતા તેમની દીકરીએ આ પગલું ભર્યું હતું. જોકે, હાઈકોર્ટે નોંધ્યું કે આઠ વર્ષ લાંબા સંબંધ દરમિયાન યુવતીએ ક્યારેય કોઈ ફરિયાદ કરી નહોતી. વળી, યુવતીએ કોઈ સુસાઇડ નોટ પણ છોડી નહોતી કે જેમાં યુવકને જવાબદાર ઠેરવવામાં આવ્યો હોય. કોર્ટે માન્યું કે યુવક બીજા સાથે લગ્ન કરી રહ્યો છે તે જાણીને યુવતી નાખુશ હતી, પરંતુ કાયદાકીય રીતે આ 'ઉશ્કેરણી' (Abetment) ના દાયરામાં આવતું નથી.

અદાલતે આરોપીને ₹૨૫,૦૦૦ના બોન્ડ પર જામીન આપતા કેટલીક કડક શરતો પણ મૂકી છે, જેમાં તે પીડિત પરિવારનો સંપર્ક કરી શકશે નહીં. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે ધર્માંતરણ અને આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા છે, પરંતુ કોર્ટે લાગણીશીલતાને બાજુએ રાખીને કાયદાના શુષ્ક પાસા પર ભાર મૂક્યો છે. ન્યાયાધીશે અવલોકન કર્યું કે હૃદયભંગ થવો એ દુઃખદ હોઈ શકે છે, પરંતુ તેના આધારે કોઈની ધરપકડ કરીને તેને જેલમાં રાખવો તે ન્યાયસંગત નથી. આ ચુકાદો ભવિષ્યમાં પ્રેમ સંબંધો સાથે જોડાયેલા અન્ય ફોજદારી કેસો માટે એક મોટો દાખલો બેસાડશે.

(7:47 PM IST)