<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ટ્રમ્પ સરકાર અને ન્યુ જર્સી વચ્ચે ‘ઇમિગ્રેશન વોર’: ઇમિગ્રન્ટ્સની ધરપકડ પર રોક લગાવતા ગવર્નરના આદેશ વિરુદ્ધ ન્યાય વિભાગ પહોંચ્યો કોર્ટમાં

ફેડરલ એજન્ટોને રોકવા તે કાયદાનો ભંગ છે: ટ્રમ્પ વહીવટીતંત્રે ગવર્નર મિકી શેરિલ પર ગુનેગારોને આશ્રય આપવાનો લગાવ્યો આરોપ; અમેરિકામાં ‘સેન્ચ્યુરી સ્ટેટ્સ’ વિવાદ વધુ ઘેરો બન્યો

ટ્રેન્ટન (ન્યુ જર્સી) : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઇમિગ્રેશનના કાયદાઓ પર ફેડરલ સરકાર અને રાજ્યો વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ન્યુ જર્સી રાજ્ય સામે મોટો કાનૂની દાવો માંડ્યો છે. આ વિવાદનું મુખ્ય કારણ ગવર્નર મિકી શેરિલનો એ આદેશ છે, જે ફેડરલ ઇમિગ્રેશન એજન્ટો (ICE) ને રાજ્યની સરકારી મિલકતો પર ધરપકડ કરતા અટકાવે છે.

શું છે સમગ્ર વિવાદ?

ન્યુ જર્સીના ડેમોક્રેટ ગવર્નર મિકી શેરિલે ૧૧ ફેબ્રુઆરીના રોજ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો હતો. આ આદેશ મુજબ, ફેડરલ ઇમિગ્રેશન એજન્ટો રાજ્યની માલિકીની જેલો, સુધારાત્મક કેન્દ્રો અને કોર્ટહાઉસ જેવા બિન-જાહેર વિસ્તારોમાં જઈને કોઈની ધરપકડ કરી શકશે નહીં. ઉપરાંત, રાજ્યની મિલકતનો ઉપયોગ ઇમિગ્રેશન પ્રોસેસિંગ માટે કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

ન્યાય વિભાગનો આકરો પ્રહાર

ટ્રમ્પ વહીવટીતંત્રના ન્યાય વિભાગે ટ્રેન્ટનની ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કરતા જણાવ્યું છે કે, ગવર્નર શેરિલ ફેડરલ કાયદાના અમલીકરણમાં જાણીજોઈને અવરોધ ઊભો કરી રહ્યા છે. મુકદ્દમામાં એવો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે ગવર્નર "ગુનાહિત અપરાધીઓને આશ્રય આપી રહ્યા છે" અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઇમિગ્રેશન અભિયાનને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગવર્નર અને એટર્ની જનરલનો વળતો જવાબ

આ મુકદ્દમા અંગે પ્રતિક્રિયા આપતા ગવર્નર શેરિલે જણાવ્યું હતું કે, "ફેડરલ સરકારે રાજ્યો પર હુમલો કરવાને બદલે તેમના ICE એજન્ટોને યોગ્ય તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ." રાજ્યના કાર્યકારી એટર્ની જનરલ જેનિફર ડેવનપોર્ટે આ કાનૂની પડકારને ‘અર્થહીન’ ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે ન્યુ જર્સી પોતાના ઇમિગ્રન્ટ સમુદાયોની સુરક્ષા માટે આ લડત ચાલુ રાખશે.

અન્ય શહેરો અને રાજ્યો પર પણ ગાજ

માત્ર ન્યુ જર્સી જ નહીં, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉ ન્યૂ યોર્ક, શિકાગો, લોસ એન્જલસ, મિનેસોટા અને કોલોરાડો જેવા રાજ્યો અને શહેરો સામે પણ આવા જ ‘અભયારણ્ય કાયદાઓ’ (Sanctuary Laws) બદલ કોર્ટમાં દાવો માંડ્યો છે. અમેરિકામાં હાલમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અધિકારોને લઈને એક મોટી કાનૂની લડાઈ ખેલાઈ રહી છે.

(7:48 PM IST)