<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ટ્રમ્પે સંસદમાં ‘ગુજરાતી’ ડ્રાઈવરના અકસ્માતનો ભોગ બનેલી બાળકીનું સન્માન કર્યું: ઈમિગ્રેશન મુદ્દે અમેરિકામાં રાજકીય ગરમાવો, ગેરકાયદેસર પ્રવાસીઓ માટે નવા કાયદાની માંગ

6 મહિના હોસ્પિટલમાં અને 3 અઠવાડિયા કોમામાં રહી 5 વર્ષની ડેલિલાહ: ટ્રમ્પે કહ્યું- ‘બિડેનની ખુલ્લી સરહદ નીતિને કારણે આ માસૂમની જિંદગી જોખમમાં મુકાઈ’, ટ્રક ડ્રાઈવર પ્રતાપ સિંહ પર આકરા પ્રહાર

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે યુએસ કેપિટોલ ખાતે પોતાના પ્રભાવશાળી 'સ્ટેટ ઓફ ધ યુનિયન' ભાષણ દરમિયાન એક એવી ઘટનાનો ઉલ્લેખ કર્યો જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પે ગેલેરીમાં બેઠેલી નાનકડી બાળકી ડેલિલાહ કોલમેનનું સન્માન કર્યું, જે જૂન 2024માં એક ગેરકાયદેસર ભારતીય ટ્રક ડ્રાઈવર દ્વારા સર્જાયેલા ભયાનક અકસ્માતનો ભોગ બની હતી.

ભયાનક અકસ્માત અને માસૂમની જીવલેણ ઈજાઓ

ટ્રમ્પે જણાવ્યું કે માત્ર 5 વર્ષની ઉંમરે ડેલિલાહની કાર સાથે 60 માઈલની ઝડપે દોડતું 18-પૈડાનું ટ્રેક્ટર-ટ્રેલર અથડાયું હતું. આ ટ્રક પ્રતાપ સિંહ નામનો ભારતીય નાગરિક ચલાવી રહ્યો હતો, જે ઓક્ટોબર 2022માં દક્ષિણ સરહદથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ડેલિલાહ ત્રણ અઠવાડિયા સુધી કોમામાં રહી હતી અને તેની ખોપરીનો અડધો ભાગ ચાર મહિના સુધી અલગ રાખવો પડ્યો હતો. ડોક્ટરોએ આશા છોડી દીધી હતી કે તે ક્યારેય ચાલી કે બોલી શકશે.

સરહદ સુરક્ષા અને લાયસન્સ પર ટ્રમ્પના તેવર

ટ્રમ્પે આ ઘટના માટે જો બિડેન વહીવટીતંત્રની 'ખુલ્લી સરહદ' નીતિને જવાબદાર ઠેરવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ગેરકાયદેસર રીતે આવેલા પ્રતાપ સિંહને કેલિફોર્નિયાના રાજકારણીઓએ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ આપી દીધું હતું. ટ્રમ્પે કહ્યું, "ઘણા ગેરકાયદેસર પ્રવાસીઓ અંગ્રેજી જાણતા નથી કે રોડના ચિહ્નો પણ વાંચી શકતા નથી. હું કોંગ્રેસને વિનંતી કરું છું કે એવો કાયદો લાવવામાં આવે જે કોઈપણ રાજ્યને ગેરકાયદેસર લોકોને કોમર્શિયલ લાયસન્સ આપતા અટકાવે."

ડેલિલાહની હિંમતને સલામી

જ્યારે ટ્રમ્પે ડેલિલાહને ઉભા થવા કહ્યું, ત્યારે આખી સંસદ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી. વ્હીલચેર અને લાંબી સારવાર બાદ હવે ડેલિલાહ પહેલા ધોરણમાં છે અને ફરીથી ચાલવાનો પ્રયત્ન કરી રહી છે. ટ્રમ્પે તેને 'મહાન પ્રેરણા' ગણાવી હતી.

ડ્રાઈવરની ધરપકડ અને કાયદાકીય શિકંજો

DHS સચિવ ક્રિસ્ટી નોએમે પુષ્ટિ કરી હતી કે પ્રતાપ સિંહની ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તે કસ્ટડીમાં છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ગેરકાયદેસર ભારતીયો અને ત્યાંની લાયસન્સ નીતિ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

(7:50 PM IST)