એરપોર્ટની દુનિયામાં મોટો ઉલટફેર! લંડન હીથ્રોનો દબદબો ખતરામાં; આગામી બે વર્ષમાં ઈસ્તાંબુલ બનશે યુરોપનું સૌથી વ્યસ્ત એરપોર્ટ
માત્ર બે રનવે સાથે સંઘર્ષ કરતું હીથ્રો ક્ષમતાના અંતિમ તબક્કે; ઈસ્તાંબુલના 5 રનવે સામે ટકી રહેવા લંડન હવે ₹3.5 લાખ કરોડના ખર્ચે બનાવશે નવો રનવે

લંડન: દાયકાઓથી યુરોપના સૌથી વ્યસ્ત અને પ્રતિષ્ઠિત એરપોર્ટ તરીકે ઓળખાતું લંડનનું 'હીથ્રો એરપોર્ટ' ટૂંક સમયમાં પોતાનો તાજ ગુમાવી શકે છે. હીથ્રોના સીઈઓ થોમસ વોલ્ડબેએ પોતે સ્વીકાર્યું છે કે તુર્કીનું ઈસ્તાંબુલ એરપોર્ટ આ વર્ષે અથવા આવતા વર્ષ સુધીમાં મુસાફરોની સંખ્યામાં હીથ્રોને પાછળ છોડીને યુરોપનું નંબર-૧ હબ બની જશે.
કેમ પાછળ પડી રહ્યું છે હીથ્રો?
આ સ્પર્ધામાં હીથ્રોના પાછળ પડવાનું મુખ્ય કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદા છે. લંડન હીથ્રો પાસે હાલમાં માત્ર બે રનવે છે અને તે પોતાની ૧૦૦% ક્ષમતા સાથે કામ કરી રહ્યું છે, એટલે કે ત્યાં નવી ફ્લાઈટ્સ ઉમેરવાની જગ્યા જ નથી. તેની સામે ઈસ્તાંબુલ એરપોર્ટ પાસે પાંચ રનવે છે, જે તેને વધુ ફ્લાઈટ્સ અને મુસાફરોને સંભાળવાની ક્ષમતા આપે છે.
₹3.5 લાખ કરોડનું મહાકાય વિસ્તરણ
પોતાનું વર્ચસ્વ પાછું મેળવવા માટે હીથ્રોએ હવે આક્રમક પ્લાન તૈયાર કર્યો છે. બ્રિટિશ સરકારની મંજૂરી બાદ, હીથ્રો હવે ત્રીજો રનવે બનાવવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટની કિંમત અંદાજે ૩૩ બિલિયન પાઉન્ડ (લગભગ ₹૩.૬૪ લાખ કરોડ) છે. જો તેમાં નવા ટર્મિનલ અને અન્ય સુવિધાઓ ઉમેરવામાં આવે તો આ ખર્ચ વધીને ૪૯ બિલિયન પાઉન્ડ સુધી પહોંચી શકે છે.
લક્ષ્યાંક ૨૦૩૫: લાંબી રાહ
જોકે, આ નવો રનવે રાતોરાત તૈયાર નહીં થાય. હીથ્રોના આયોજન મુજબ ૨૦૨૯ સુધીમાં તમામ કાયદાકીય અને પ્લાનિંગ મંજૂરીઓ મેળવ્યા બાદ, ૨૦૩૫ સુધીમાં આ રનવે પરથી ફ્લાઈટ્સ શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ વર્ષે હીથ્રોએ ૮.૫ કરોડ મુસાફરોની અપેક્ષા રાખી છે, જે ગયા વર્ષ કરતા થોડી વધારે છે.
કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ જેવા મોટા રોકાણકારો આ પ્રોજેક્ટમાં નાણાં રોકવા તૈયાર છે, કારણ કે આ પ્રોજેક્ટ બ્રિટનના અર્થતંત્રને વેગ આપવા માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
