હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતની ‘ખોવાયેલી જનજાતિ’ હવે જશે ઇઝરાયલ: વર્ષ 2030 સુધીમાં મણિપુર-મિઝોરમના હજારો લોકો માતૃભૂમિ પરત ફરશે; નેતન્યાહૂ સરકારનો મોટો નિર્ણય
ઇઝરાયલ સરકારે $27 મિલિયનનું ખાસ પેકેજ મંજૂર કર્યું: ફ્લાઇટ્સ, હિબ્રુ તાલીમ અને રહેઠાણની જવાબદારી સરકારની; 5,800 સભ્યો માટે ‘પવિત્ર ભૂમિ’માં વસવાટનો માર્ગ મોકળો

ઇમ્ફાલ : ભારતના પૂર્વોત્તર રાજ્યો મણિપુર અને મિઝોરમમાં વસતા ‘બ્નેઈ મેનાશે’ સમુદાય માટે આખરે વર્ષોની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના મંત્રીમંડળે એક ઐતિહાસિક યોજનાને મંજૂરી આપી છે, જે હેઠળ ભારતમાંથી આ ‘ખોવાયેલી જનજાતિ’ના સભ્યોને વર્ષ 2030 સુધીમાં ઇઝરાયલમાં કાયમી ધોરણે સ્થાયી કરવામાં આવશે.
શું છે આ સમુદાયનો ઇતિહાસ?
બ્નેઈ મેનાશે સમુદાય પોતાને ઇઝરાયલના 10 ‘ખોવાયેલા આદિવાસીઓ’ (Lost Tribes) માંથી એકના વંશજ માને છે. ઇતિહાસ મુજબ, 8મી સદી બીસીઇમાં આશ્શૂરના આક્રમણ બાદ ઇઝરાયલની આ જાતિઓ વિખેરાઈ ગઈ હતી. આ સમુદાયે સદીઓ સુધી યહૂદી પરંપરાઓને જાળવી રાખી છે. હવે ઇઝરાયલ સરકારે તેમને ઔપચારિક રીતે માન્યતા આપીને નાગરિકતાનો માર્ગ મોકળો કર્યો છે.
$27 મિલિયનનો ખર્ચ અને વસવાટનો પ્લાન
ઇઝરાયલ સરકારે આ સ્થળાંતર માટે અંદાજે 225 કરોડ રૂપિયા (27 મિલિયન ડોલર) ફાળવ્યા છે. આ રકમનો ઉપયોગ:
- ભારતથી ઇઝરાયલ સુધીની ફ્લાઇટ્સના ખર્ચ માટે.
- હિબ્રુ ભાષાની તાલીમ અને આધ્યાત્મિક રૂપાંતર માટે.
- ઉત્તર ઇઝરાયલના ‘ગેલિલી’ પ્રદેશ અને નેગેવ રણ જેવા વિસ્તારોમાં રહેઠાણ માટે કરવામાં આવશે.
2026 માં 1,200 લોકો જશે ઇઝરાયલ
બ્નેઈ મેનાશે કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વડા અને નિવૃત્ત અધિકારી ડબલ્યુ એલ હેંગશિંગે જણાવ્યું કે, વર્ષ 2026 માટે પ્રથમ તબક્કામાં 1,200 લોકોને મંજૂરી મળી છે. તેમણે આ સ્થળાંતરને ‘અલીયાહ’ (આધ્યાત્મિક વળતર) ગણાવ્યું છે. હેંગશિંગના પિતા પણ 2014માં 80 વર્ષની ઉંમરે ઇઝરાયલ ગયા હતા અને પવિત્ર ભૂમિમાં દફનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
નવી જિંદગી અને રોજગારી
ઇઝરાયલમાં પહેલાથી જ આ સમુદાયના લગભગ 5,000 સભ્યો વસે છે. મણિપુરમાં ડાંગરની ખેતી કરતા લોકો હવે ઇઝરાયલની ફેક્ટરીઓમાં કામ કરીને દર કલાકે 34 શેકેલ (અંદાજે 800 રૂપિયા) જેટલી કમાણી કરે છે. હેંગશિંગે સ્પષ્ટ કર્યું કે તેલ અવીવ જેવા મોંઘા શહેરોને બદલે આ લોકો સસ્તા અને ખેતીલાયક વિસ્તારોમાં વસવાનું પસંદ કરે છે.
આ સ્થળાંતર પ્રક્રિયા ઇઝરાયલના ઇમિગ્રેશન મંત્રાલય અને યહૂદી એજન્સી દ્વારા ભારતીય અધિકારીઓના સંકલન સાથે તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
