ડિજિટલ ક્રાંતિ: હવે રાશનની દુકાને ‘કેશ’ નહીં, ડિજિટલ રૂપિયો ચાલશે! ગુજરાતથી પુડુચેરી સુધી RBI ના નવા પ્રોજેક્ટનો ધમાકેદાર પ્રારંભ
ઈ-વોલેટમાં જમા થશે CBDC અને QR કોડ બતાવતા જ મળી જશે અનાજ: મફત રાશન યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો માસ્ટર પ્લાન; વર્ષના અંત સુધીમાં રિટેલ ગ્રાહકો માટે પણ લોન્ચ થશે ડિજિટલ કરન્સી

નવી દિલ્હી: ભારતમાં નાણાકીય વ્યવહારોની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર હવે મફત રાશન વિતરણની પ્રક્રિયાને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એટલે કે 'ડિજિટલ રૂપિયા' સાથે જોડી રહી છે. આ પ્રાયોગિક પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
ગુજરાતના બે જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ
નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના બે જિલ્લાઓમાં મફત રાશન વિતરણ માટે CBDC લોન્ચ કરવામાં આવ્યું છે. આ અઠવાડિયે પુડુચેરીમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ચંદીગઢ અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોનો વારો આવશે. આ યોજના હેઠળ, RBI પાત્ર લાભાર્થીના ઈ-વોલેટમાં સીધા જ ડિજિટલ રૂપિયા જારી કરશે.
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
લાભાર્થીના મોબાઈલમાં એક ખાસ કોડ અથવા QR કોડ જનરેટ થશે. જ્યારે તે રાશનની દુકાને જશે, ત્યારે આ કોડ સ્કેન કરવાનો રહેશે. આ ડિજિટલ ચલણની ખાસિયત એ છે કે તેનો ઉપયોગ માત્ર રાશન ખરીદવા માટે જ કરી શકાશે, અન્ય કોઈ હેતુ માટે આ પૈસા વાપરી શકાશે નહીં. આનાથી રાશન વિતરણમાં થતી ગેરરીતિઓ અને કાળાબજાર પર સંપૂર્ણ રોક લાગશે તેવી સરકારને આશા છે.
રિટેલ ગ્રાહકો માટે પણ ખુશખબર
અત્યાર સુધી CBDC માત્ર બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) સ્તરે જ વપરાતું હતું, પરંતુ આ વર્ષના અંત સુધીમાં તેને સામાન્ય ગ્રાહકો (Retail) માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે. ભારત અત્યારે સિંગાપોર સાથે પણ ડિજિટલ પેમેન્ટ પર પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનારી BRICS સમિટમાં ભારત અન્ય સભ્ય દેશો સામે પણ ડિજિટલ ચલણનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે.
UPI પેમેન્ટ માટે બેંકોની પોતાની એપ
UPI વ્યવહારોને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે હવે દરેક બેંકો પોતાની સ્વતંત્ર એપ્લિકેશન વિકસાવશે. જેમ એસબીઆઈની 'Yono' એપ છે, તેવી જ રીતે અન્ય બેંકો પણ એપ્સ લાવશે જેથી ગૂગલ પે કે પેટીએમ જેવા થર્ડ પાર્ટી એગ્રીગેટર્સ પરની નિર્ભરતા ઘટે. મહત્વની વાત એ છે કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં UPI વ્યવહારો પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવાની તેમની કોઈ યોજના નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
