<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ખાટુ શ્યામજીના મેળામાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો: ‘હારે કે સહારે’ ના નાદ સાથે ત્રણ દિવસમાં ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યું!

AI કેમેરાથી ભક્તોની સચોટ ગણતરી અને ડ્રોન દ્વારા આકાશમાંથી બાજ નજર: બાબાના શૃંગાર માટે બંગાળ-સુરતથી મંગાવાયા વિશેષ ફૂલો, રીંગાસથી ખાટુ સુધી ભક્તોનું મહેરામણ

સીકર:રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત આસ્થાનું કેન્દ્ર એવા ખાટુ શ્યામજીમાં વાર્ષિક લક્ષ્મણી મેળો અત્યારે તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ ભક્તિ ઉત્સવ ૨૮ ફેબ્રુઆરી સુધી ચાલશે. મેળાના શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં ૪.૧૦ લાખથી વધુ ભક્તોએ બાબા શ્યામના દર્શન કરી ધન્યતા અનુભવી છે. રીંગાસથી ખાટુધામ સુધીનો રસ્તો અત્યારે શ્યામ ભક્તોના જયકારાથી ગુંજી રહ્યો છે.
શ્રી શ્યામ મંદિર સમિતિ દ્વારા ભક્તો માટે અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. રીંગાસથી ખાટુશ્યામજી સુધીના પદયાત્રા માર્ગ પર શ્રદ્ધાળુઓના પગ ન દાઝે તે માટે માટી અને રેતી પાથરીને ખાસ કાર્પેટ બિછાવવામાં આવી છે. મંદિર સમિતિના મંત્રી માનવેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ભક્તોને દોઢથી બે કિલોમીટર જેટલું ચાલવું પડે છે, પરંતુ વ્યવસ્થા એટલી સુચારુ છે કે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડી રહી નથી.
આ વખતે મેળામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૭૫ ફૂટ લાંબા માર્ગ પર ૧૪ હરોળમાં અત્યાધુનિક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કેમેરા લગાવવામાં આવ્યા છે, જે દર્શન માટે આવતા દરેક ભક્તની સચોટ ગણતરી કરી રહ્યા છે. સમગ્ર મેળા વિસ્તારમાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સુરક્ષા માટે ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’ પણ તૈનાત છે.
બાબા શ્યામના દરબારને દિવ્ય બનાવવા માટે બંગાળ અને સુરતથી ખાસ કેસરી અને લાલ રંગના ફૂલો મંગાવવામાં આવ્યા છે. દરરોજ બાબાનો મનમોહક શૃંગાર કરવામાં આવે છે, જેના દર્શન માટે ભક્તો કલાકો સુધી રાહ જોતા હોય છે. જયપુરથી ૧૦૦ કિમી પગપાળા આવેલા એક પરિવારે જણાવ્યું કે, બાબાના દર્શન માત્રથી જ બધો થાક ઉતરી જાય છે.
 મંદિર સમિતિના અંદાજ મુજબ, ૨૬ ફેબ્રુઆરીથી ભક્તોની સંખ્યામાં મોટો ઉછાળો આવશે. ૨૮ ફેબ્રુઆરીએ સૂરજગઢનો ધ્વજ ફરકાવવાની સાથે આ ભવ્ય મેળાનું સમાપન થશે. ત્યાં સુધી પ્રશાસને ટ્રાફિક અને સ્વાસ્થ્ય સેવાઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક પણ કાર્યરત રાખ્યા છે.

(9:31 PM IST)