<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

યુપીમાં ‘સીમા હૈદર’ જેવો કિસ્સો: બાંગ્લાદેશી ‘મહમુદા’ રાની બેગમ બનીને રહેતી હતી : SIR તપાસમાં થયો ખુલાસો

નકલી દસ્તાવેજોના જોરે દિલ્હીમાં કર્યા લગ્ન અને હાપુડમાં વસાવી દુનિયા : મતદાર યાદીની ચકાસણીમાં ખુલ્યું ઓળખનું રહસ્ય: પર્સમાંથી મળ્યા બાંગ્લાદેશી પાસપોર્ટ, વિઝા અને ચલણ

હાપુડ:  ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વર વિસ્તારમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જ્યાં એક બાંગ્લાદેશી મહિલા વર્ષોથી પોતાની સાચી ઓળખ છુપાવીને ‘રાની બેગમ’ બનીને રહેતી હતી. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત જ્યારે SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ) દ્વારા મતદાર યાદીની ચકાસણી કરવામાં આવી રહી હતી, ત્યારે આ મહિલાના દસ્તાવેજોમાં શંકાસ્પદ વિગતો સામે આવી હતી. તપાસ આગળ વધતા જાણવા મળ્યું કે આ મહિલા વાસ્તવમાં બાંગ્લાદેશની નાગરિક મહમુદા ખાતુન છે. તેણે દૌતાઈ ગામના વડા અફસાનાના નામે નકલી પત્ર બનાવીને પોતાની ભારતીય ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો, જે મામલે હવે પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે જ્યારે દૌતાઈ ગામમાં મસરૂફ નામના વ્યક્તિના ઘરે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી એક શંકાસ્પદ લેડીઝ પર્સ મળી આવ્યું હતું. આ પર્સની તલાશી લેતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે તેમાંથી મહમુદા ખાતુન અને તેની પુત્રી રોઝાના અસલી બાંગ્લાદેશી પાસપોર્ટ, વિઝા અને બાંગ્લાદેશી ચલણ મળી આવ્યું હતું. તપાસમાં ખુલાસો થયો છે કે મસરૂફે ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ દિલ્હીના હઝરત નિઝામુદ્દીન વિસ્તારમાં મહમુદા સાથે નિકાહ કર્યા હતા. આ લગ્ન બાદ મહમુદાનું નામ બદલીને ‘રાની બેગમ’ કરી દેવામાં આવ્યું હતું જેથી કોઈને તેના વિદેશી હોવાની શંકા ન જાય.

આ નકલી ઓળખના જોરે મહિલાને ત્રણ બાળકો પણ થયા છે, જે પૈકી મોટી પુત્રીનો જન્મ ૨૦૨૩માં બાંગ્લાદેશમાં થયો હોવાના પુરાવા મળ્યા છે. હાલમાં મહિલાનો પતિ મસરૂફ સાઉદી અરેબિયામાં ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું કહેવાય છે, પરંતુ પોલીસ કાર્યવાહીની ગંધ આવી જતા મહમુદા ઉર્ફે રાની બેગમ તેના પરિવાર સાથે ગામ છોડીને ફરાર થઈ ગઈ છે. ગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દેવેન્દ્ર બિષ્ટે જણાવ્યું છે કે તમામ દસ્તાવેજો જપ્ત કરી લેવાયા છે અને આંતરરાષ્ટ્રીય ઘૂસણખોરી કે કોઈ મોટા કાવતરાના પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ તેજ કરવામાં આવી છે.

(10:19 PM IST)