હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સલીમ ખાન હવે ખતરાની બહાર! મગજની સર્જરી બાદ દિગ્ગજ લેખકની તબિયતમાં સુધારો; સલમાનની કો-સ્ટાર ડેઝી શાહે આપ્યું મોટું હેલ્થ અપડેટ
લીલાવતી હોસ્પિટલમાં સફળ ઓપરેશન બાદ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે સલીમ ખાન: ખાન પરિવારે પ્રાઈવસી જાળવવા હોસ્પિટલને કરી તાકીદ; ગલવાન વેલી પર આધારિત સલમાનની નવી ફિલ્મની રિલીઝમાં થઈ શકે છે વિલંબ

મુંબઈ: બોલિવૂડના ‘ટાઈગર’ સલમાન ખાનના પિતા અને જાણીતા પટકથા લેખક સલીમ ખાનના સ્વાસ્થ્યને લઈને ચાહકો માટે સારા સમાચાર છે. ૧૭ ફેબ્રુઆરીએ મગજમાં નજીવા રક્તસ્ત્રાવ (બ્રેઈન હેમરેજ) ના કારણે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી સારવાર અને સર્જરી બાદ હવે તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
સલમાન ખાનની ફિલ્મ 'જય હો' ની અભિનેત્રી ડેઝી શાહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ખાન પરિવારના સતત સંપર્કમાં છે. ડેઝીના જણાવ્યા મુજબ, સલીમ ખાનની સર્જરી સફળ રહી છે અને તેમની હાલત હવે સ્થિર છે. જોકે તેઓ હજુ નિરીક્ષણ હેઠળ છે, પરંતુ તેઓ હવે ખતરાની બહાર છે. ડેઝીએ એ પણ સ્પષ્ટ કર્યું કે પરિવાર અત્યારે ખૂબ જ શાંતિથી સ્થિતિને સંભાળી રહ્યો છે.
સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ થયા બાદ શાહરૂખ ખાન, આમિર ખાન અને રણવીર સિંહ જેવી હસ્તીઓ તેમની મુલાકાતે પહોંચી હતી. જોકે, હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય અંગે જારી કરાયેલા સત્તાવાર નિવેદનથી ખાન પરિવાર નારાજ હોવાનું કહેવાય છે. સલમાન ખાને હોસ્પિટલ સ્ટાફને સ્પષ્ટ કર્યું છે કે સ્વાસ્થ્ય એ અંગત બાબત છે અને પરવાનગી વગર કોઈ પણ માહિતી મીડિયામાં લીક ન થવી જોઈએ.
એક તરફ પિતાની નાદુરસ્ત તબિયત છે, તો બીજી તરફ સલમાન ખાન પોતાની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. સલમાન છેલ્લે 'સિકંદર' ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે અપૂર્વ લાખિયાની ફિલ્મ "બેટલ ઓફ ગલવાન" માં જોવા મળશે, જે ભારત અને ચીન વચ્ચે થયેલી ગલવાન ખીણની લડાઈ પર આધારિત છે. આ ફિલ્મમાં તેની સાથે ચિત્રાંગદા સિંહ જોવા મળશે. જોકે, પિતાની તબિયત અને અન્ય કારણોસર આ ફિલ્મની રિલીઝ જે ઈદ પર થવાની હતી, તે હવે પાછળ ઠેલાઈ શકે છે.
સલીમ ખાન અને જાવેદ અખ્તરે મળીને 'શોલે' અને 'ઝંઝીર' જેવી ઐતિહાસિક ફિલ્મો આપી છે. સમગ્ર બોલિવૂડ અત્યારે આ દિગ્ગજ લેખકના ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
