<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

જેરુસલેમમાં મોદીની ગર્જના: “આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત ઇઝરાયલની પડખે છે!”

ઇઝરાયલી સંસદ ‘નેસેટ’ ને સંબોધનારા પીએમ મોદી બનશે પ્રથમ ભારતીય વડાપ્રધાન : ‘નમસ્તે’ લખેલા ખાસ અખબારી અંક સાથે જેરુસલેમમાં ભવ્ય સ્વાગત: નેતન્યાહૂએ તોડ્યો પ્રોટોકોલ અને પત્ની સાથે એરપોર્ટ પર લેવા પહોંચ્યા : સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રે રચાશે નવા ઇતિહાસ

જેરુસલેમ:  વિશ્વના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની ધરતી પર ફરી એકવાર પગ મૂક્યો છે. પીએમ મોદીના સ્વાગત માટે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તમામ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર વ્યક્તિગત હાજરી આપી હતી. ઇઝરાયલના પ્રખ્યાત અખબાર "ધ જેરુસલેમ પોસ્ટ" એ તેના પ્રથમ પાના પર હિન્દીમાં "નમસ્તે" લખીને પીએમ મોદીનું સ્વાગત કર્યું, જે બંને દેશો વચ્ચેની અતૂટ મિત્રતાનું પ્રતીક છે. આ મુલાકાત માત્ર રાજદ્વારી નથી, પરંતુ બે પ્રાચીન સભ્યતાઓ વચ્ચેના અતૂટ જોડાણની પુનઃપ્રાપ્તિ છે, જે હવે સંરક્ષણથી લઈને ટેકનોલોજી સુધીના ક્ષેત્રોમાં વિશ્વને નવી દિશા આપશે.

પીએમ મોદીની આ બે દિવસીય મુલાકાતનો સૌથી મહત્વનો પડાવ ઇઝરાયલી સંસદ ‘નેસેટ’ (Knesset) માં તેમનું ઐતિહાસિક સંબોધન છે. તેઓ ઇઝરાયલી સંસદને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનીને નવો ઈતિહાસ રચી રહ્યા છે. નેસેટમાં પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ભારતનું વલણ રજૂ કર્યું છે કે, ભારત અને ઇઝરાયલ લોકશાહીના સમાન મૂલ્યો ધરાવે છે અને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત હંમેશા ઇઝરાયલની સાથે મક્કમતાથી ઉભું છે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, આધુનિક હથિયારો, કૃષિમાં ડ્રિપ ઇરિગેશન અને જળ વ્યવસ્થાપન જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા થશે, જેનો સીધો ફાયદો ભારતના ખેડૂતો અને સુરક્ષા દળોને મળશે.

બંને દેશો વચ્ચેની આ મિત્રતા હવે માત્ર સરકારી કરારો પૂરતી સીમિત નથી, પરંતુ જમીની સ્તરે એક નવો ‘પાવર બ્લોક’ તૈયાર કરી રહી છે. પીએમ મોદી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને પણ મળશે અને ત્યારબાદ નેતન્યાહૂ દ્વારા આયોજિત ખાનગી રાત્રિભોજનમાં ખાસ મહેમાન બનશે. ઇઝરાયલમાં ભારતના રાજદૂત જે.પી. સિંહે જણાવ્યું હતું કે, આ મુલાકાત વિજ્ઞાન અને નવીનતા માં નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે. ખાસ કરીને પેમેન્ટ સિસ્ટમ અને બેંકિંગને સરળ બનાવવા માટેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે, જે બંને દેશોના વેપારને નવી ગતિ આપશે. ઇઝરાયલી જનતા અને ત્યાં વસતા ભારતીય સમુદાયમાં પીએમ મોદીની મુલાકાતને લઈને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(9:57 PM IST)