હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગબ્બરની મોટી જીત! શિખર ધવનને પૂર્વ પત્ની પાસેથી મળશે ₹5.7 કરોડ; કોર્ટે વ્યાજ સાથે પૈસા પરત કરવાનો આપ્યો આદેશ
છેતરપિંડી અને ધમકી આપીને સહી કરાવેલા દસ્તાવેજો દિલ્હી કોર્ટે રદ કર્યા: ઓસ્ટ્રેલિયન મિલકતના વેચાણના પૈસા હવે ધવનને પાછા મળશે; પૂર્વ પત્ની આયેશા મુખર્જીને ફટકાર

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી શિખર ધવન માટે આ સમય બેવડી ખુશીઓ લઈને આવ્યો છે. તાજેતરમાં જ આયર્લેન્ડની સોફી શાઇન સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા ધવનને હવે કાનૂની મોરચે પણ મોટી રાહત મળી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ધવનની પૂર્વ પત્ની આયેશા મુખર્જીને 894,397 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ₹5.7 કરોડ) વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટના ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ગર્ગે પોતાના ચુકાદામાં અત્યંત મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે શિખર ધવન અને આયેશા વચ્ચે નાણાકીય સમાધાન માટે જે પણ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા તે અમાન્ય છે. તપાસમાં બહાર આવ્યું કે આ દસ્તાવેજો આયેશાએ ધવને ધમકી આપીને, ગેરવસૂલી અને છેતરપિંડી દ્વારા તૈયાર કરાવ્યા હતા. કોર્ટે આયેશાને કેસ દાખલ કર્યાની તારીખથી વાર્ષિક 9% વ્યાજ સાથે આ રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં એક મોટો વળાંક એ આવ્યો કે દિલ્હી કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઓસ્ટ્રેલિયન કોર્ટ પાસે ધવન અને આયેશા વચ્ચેના વૈવાહિક વિવાદોની સુનાવણી કરવાનો કોઈ અધિકાર નથી. ઓસ્ટ્રેલિયન કોર્ટે અગાઉ ધવનની ભારત સ્થિત સંપત્તિઓ અને વૈશ્વિક મિલકતોના વિભાજનનો આદેશ આપ્યો હતો, જેને દિલ્હી કોર્ટે અટકાવી દીધો છે.
શિખર ધવન અને આયેશાએ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. આયેશા ભારતીય મૂળની ઓસ્ટ્રેલિયન નાગરિક છે. ધવને કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેણે પોતાના પરસેવાની કમાણીથી ઓસ્ટ્રેલિયામાં મિલકતો ખરીદી હતી, પરંતુ આયેશાએ તેને ડરાવી-ધમકાવીને તે મિલકતો સંયુક્ત નામે કરવા મજબૂર કર્યો હતો. એટલું જ નહીં, આયેશાએ ધવનની ક્રિકેટ કારકિર્દી અને પ્રતિષ્ઠા બગાડવાની ધમકી પણ આપી હતી. ૨૦૨૧માં વિવાદ વધતા બંને અલગ થયા અને ૨૦૨૩માં કોર્ટે તેમને છૂટાછેડા મંજૂર કર્યા હતા.
આ ચુકાદાથી શિખર ધવનને આર્થિક અને માનસિક રીતે મોટી રાહત મળી છે. હાલમાં ધવન અને આયેશા વચ્ચે તેમના પુત્ર જોરાવરની કસ્ટડીને લઈને પણ કાનૂની લડાઈ ચાલી રહી છે, જેમાં પણ ધવનને મળવાના અધિકારો અંગે અગાઉ કોર્ટે રાહત આપી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
