<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

એપ્રિલનો આંચકો: ૧લી તારીખથી બદલાઈ જશે તમારા જીવનના ૫ મોટા નિયમો: LPG થી લઈને ક્રેડિટ કાર્ડ સુધી બધું જ થશે પ્રભાવિત!

નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ લાગુ થશે ‘ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ નિયમો ૨૦૨૬’ : પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડના વપરાશમાં ક્રાંતિકારી ફેરફાર : ₹૧૦ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન પર રહેશે આવકવેરા વિભાગની બાજ નજર: ગેસ સિલિન્ડર અને વિમાન ભાડામાં પણ ફેરફારની પૂરેપૂરી શક્યતા

અમદાવાદ:  માર્ચ મહિનો વિદાય લઈ રહ્યો છે અને ૧લી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, જેની સાથે જ સામાન્ય માણસના બજેટમાં મોટા પાયે ઉથલપાથલ જોવા મળશે. સૌથી પહેલો ફેરફાર રસોડામાં જોવા મળી શકે છે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે. ગત ફેબ્રુઆરીમાં કોમર્શિયલ સિલિન્ડરમાં ₹૫૦નો વધારો થયો હતો, ત્યારે હવે એપ્રિલમાં ઘરેલું ગેસ (૧૪ કિલો) અને કોમર્શિયલ ગેસના ભાવ વધે છે કે ઘટે છે તેના પર સૌની નજર છે. માત્ર ગેસ જ નહીં, પણ વિમાનમાં વપરાતા ATF (એર ટર્બાઇન ફ્યુઅલ) અને CNG-PNG ના દરોમાં પણ ફેરફાર થતા તેની સીધી અસર તમારા મુસાફરીના ખર્ચ પર પડશે.

બીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ અને ઇન્કમ ટેક્સના નિયમોમાં થવાનો છે. ૧ એપ્રિલ, ૨૦૨૬ થી પ્રસ્તાવિત નવા આવકવેરા નિયમો હેઠળ, જો તમે વર્ષમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ₹૧૦ લાખ (૧ મિલિયન) કે તેથી વધુની ચુકવણી કરશો, તો બેંકો તેની સીધી જાણકારી આવકવેરા વિભાગને આપશે. વધુમાં, હવે પાન કાર્ડ મેળવવા માટે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટનો ઉપયોગ એડ્રેસ પ્રૂફ તરીકે કરી શકાશે, પરંતુ નવા ક્રેડિટ કાર્ડ માટે પાન કાર્ડ આપવું હવે અનિવાર્ય બનશે. આ કડક નિયમો પાછળ સરકારનો હેતુ મોટા નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા લાવવાનો છે, જેથી ટેક્સ ચોરી પર અંકુશ મેળવી શકાય.

ત્રીજો મહત્વપૂર્ણ ફેરફાર પાન કાર્ડના ઉપયોગને લઈને છે. નવા નિયમો મુજબ, હવે વીમા પોલિસી ખરીદવા માટે પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે, જે અત્યાર સુધી મર્યાદિત હતું. બીજી તરફ, વાહન ખરીદનારાઓ માટે રાહતના સમાચાર એ છે કે ₹૫ લાખથી ઓછી કિંમતની ગાડી માટે હવે પાન કાર્ડની જરૂર નહીં રહે. બેંકમાં રોકડ જમા કરાવવાની વાર્ષિક મર્યાદામાં પણ વધારો થઈ શકે છે. ખાસ નોંધવા જેવું એ છે કે માર્ચના અંતમાં હોળી, ઈદ અને રામનવમી જેવા તહેવારોને કારણે બેંકોમાં ૧૮ દિવસની રજાઓ છે, તેથી તમારા નાણાકીય કાર્યો સમયસર પતાવી લેવા હિતાવહ છે.

(10:30 PM IST)