જેરુસલેમમાં ‘મોદી મેજિક’: નેતન્યાહૂએ પીએમ મોદીને ગળે લગાવી કહ્યું- “નરેન્દ્રભાઈ, તમે મારા ભાઈ છો, આપણે મળીને ચમત્કાર કર્યો!”
ઇઝરાયલી સંસદ ‘મોદી-મોદી’ ના નારાથી ગુંજી ઉઠી : નેસેટ સ્પીકરે હિન્દીમાં કર્યું સ્વાગત: દરિયા કિનારે ખુલ્લા પગે ચાલવાની યાદો તાજી કરી નેતન્યાહૂ ભાવુક થયા: ૧.૫ અબજની તાકાત અને ઇઝરાયલના મનોબળના સંગમથી વેપાર બમણો અને સહયોગ ત્રણ ગણો થયો

જેરુસલેમ: ઇઝરાયલની સંસદ ‘નેસેટ’ આજે કોઈ રાજકીય મંચ નહીં, પરંતુ બે ભાઈઓના મિલનનું કેન્દ્ર બની ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગૃહમાં પ્રવેશ્યા ત્યારે ઇઝરાયલી સાંસદોએ ઊભા થઈને ‘મોદી-મોદી’ ના નારા લગાવ્યા, જે દ્રશ્ય ઇતિહાસમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. પીએમ બેન્જામિન નેતન્યાહૂએ અત્યંત ભાવુક સંબોધનમાં મોદીને માત્ર મિત્ર નહીં પણ ‘પોતાના ભાઈ’ ગણાવ્યા હતા. નેતન્યાહૂએ કહ્યું કે, “નરેન્દ્ર, જ્યારે આપણે એરપોર્ટ પર મળ્યા અને મેં તને ગળે લગાવ્યો, ત્યારે તે કોઈ ઔપચારિકતા નહોતી, પણ ‘મોદી આલિંગન’ ની એ હૂંફ હતી જે બે હૃદયોને જોડે છે. તું માત્ર ઇઝરાયલનો પરમ મિત્ર નથી, પણ વિશ્વ મંચ પરનો એક મહાન નેતા છે જેણે ભારત-ઇઝરાયલના સંબંધોને નવી ઊંચાઈ આપી છે.”
જૂની યાદોને તાજી કરતા નેતન્યાહૂએ ૨૦૧૭ની એ મુલાકાતનો ઉલ્લેખ કર્યો જ્યારે બંને નેતાઓ ભૂમધ્ય સમુદ્રના કિનારે ખુલ્લા પગે પાણીમાં ચાલ્યા હતા. તેમણે સ્મિત સાથે કહ્યું, “તે દિવસે આપણે માત્ર પાણીમાં નહોતા ચાલ્યા, પરંતુ એક ચમત્કારની શરૂઆત કરી હતી. ત્યારથી આજ સુધીમાં આપણે આપણો દ્વિપક્ષીય વેપાર બમણો કર્યો છે અને આપણી સમજણને ચાર ગણી વધારી છે.” નેતન્યાહૂએ ઉમેર્યું કે ભારત ૧.૫ અબજ લોકોની મહાશક્તિ છે અને ઇઝરાયલ કદમાં નાનું હોવા છતાં તેના જુસ્સામાં વિશાળ છે. જ્યારે આ બે શક્તિઓ ભેગી થાય છે, ત્યારે તેની અસર દુનિયાભરમાં વર્તાય છે. સિંધુ ખીણ અને જોર્ડન ખીણની સભ્યતાઓને યાદ કરી તેમણે કહ્યું કે આપણે હજારો વર્ષ જૂની સંસ્કૃતિઓ છીએ જેણે અનેક પડકારો વચ્ચે લોકશાહીને જીવંત રાખી છે.
આ ઐતિહાસિક ક્ષણને વધુ યાદગાર બનાવવા માટે નેસેટ સ્પીકર અમીર ઓહાનાએ હિન્દીમાં બોલીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે સ્પષ્ટ હિન્દીમાં કહ્યું, “જેરુસલેમમાં આપનું સ્વાગત છે!” આ સન્માન દર્શાવે છે કે ઇઝરાયલના હૃદયમાં ભારત માટે કેટલું માન છે. નેતન્યાહૂએ અંતમાં જણાવ્યું કે ભારત અને ઇઝરાયલ બંનેએ લગભગ ૮૦ વર્ષ પહેલાં બ્રિટિશ શાસનથી એકસાથે આઝાદી મેળવી હતી અને આજે બંને દેશો ટેકનોલોજી, સંરક્ષણ અને માનવતાના ક્ષેત્રમાં સાથે મળીને નવો ઈતિહાસ રચી રહ્યા છે. આ મુલાકાત બાદ હવે બંને દેશો વચ્ચેના સંબંધો માત્ર કાગળ પરના કરારો નહીં, પણ ભાઈચારાની એક મજબૂત મિશાલ બની ગયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
