<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ઇઝરાયલનો સર્વોચ્ચ શિખર સર: પીએમ મોદીને મળ્યું ‘નેસેટ મેડલ’ : આ સન્માન મેળવનારા દુનિયાના પ્રથમ નેતા બન્યા!

ઇઝરાયલી સંસદના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે ભારતનું નામ: સંરક્ષણથી લઈને કૃષિ ટેકનોલોજી સુધીના ઐતિહાસિક કરારો પર લાગશે મહોર, ‘ધ જેરુસલેમ પોસ્ટ’ એ હિન્દીમાં હેડલાઈન છાપી વધાવ્યો ભારતનો દબદબો

જેરુસલેમ:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની ધરતી પર પગ મૂકતાની સાથે જ એક નવો વૈશ્વિક ઇતિહાસ રચી દીધો છે. તેમને ઇઝરાયલી સંસદ ‘નેસેટ’નું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે, અને આ મેડલ મેળવનારા તેઓ વિશ્વના પ્રથમ રાજનેતા બન્યા છે. બુધવારે બપોરે જ્યારે પીએમ મોદી તેલ અવીવ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તમામ પ્રોટોકોલ બાજુએ મૂકીને પત્ની સારા સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત માત્ર બે નેતાઓનું મિલન નથી, પરંતુ બે પ્રાચીન સભ્યતાઓ વચ્ચેની મિત્રતાનો એક નવો અને સુવર્ણ અધ્યાય છે, જે આવનારા દાયકાઓ સુધી સંરક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં દુનિયાને નવી દિશા બતાવશે.

ઇઝરાયલના સૌથી પ્રતિષ્ઠિત અખબાર "ધ જેરુસલેમ પોસ્ટ" એ પણ પીએમ મોદીના માનમાં તેના પહેલા પાના પર બોલ્ડ અક્ષરોમાં હિન્દીમાં "નમસ્તે" લખીને એક વિશેષ આવૃત્તિ પ્રકાશિત કરી હતી. અખબારના મુખ્ય સંપાદક ઝ્વિકા ક્લેઇને સોશિયલ મીડિયા પર આ ખાસ કવર પેજ શેર કરતા જણાવ્યું કે, ઇઝરાયલના હૃદયમાં ભારત પ્રત્યે કેટલો ઊંડો આદર અને પ્રેમ છે તે આ ‘નમસ્તે’ શબ્દ પરથી સ્પષ્ટ થાય છે. પીએમ મોદી ઇઝરાયલી સંસદને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે, જ્યાં તેમના ભાષણ દરમિયાન હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક સંબંધો અને આધુનિક યુગના વ્યૂહાત્મક ભાગીદારીના નવા સીમાચિહ્નો સ્થાપિત થયા હતા.

ભારતના રાજદૂત જે.પી. સિંહના જણાવ્યા મુજબ, આ ઐતિહાસિક પ્રવાસ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ, બેંકિંગ, કૃષિ અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં કરોડોના કરારો થશે. ખાસ કરીને ભારતીય ખેડૂતો માટે ઇઝરાયલી આધુનિક જળ ટેકનોલોજી અને સંરક્ષણ માટે નવા હથિયારોની ટેકનોલોજી પર મુખ્ય ધ્યાન આપવામાં આવશે. પીએમ મોદી માત્ર નેતન્યાહૂ જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે પણ મુલાકાત કરશે અને નેતન્યાહૂ દ્વારા આયોજિત ખાનગી રાત્રિભોજનમાં ખાસ મહેમાન બનશે. આ મિત્રતા હવે માત્ર કાગળ પરના કરારો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ જમીની સ્તરે બંને દેશોના વિકાસ માટે એક અતૂટ શક્તિ બનીને ઉભરી છે.

(10:39 PM IST)