તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
શંકરાચાર્ય સામે FIR થતા યુપીમાં સંગ્રામ: કોંગ્રેસે કલેક્ટર કચેરી ગજવી, સંતોના અપમાન સામે સરકાર વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં કોંગ્રેસ મેદાનમાં: ‘ભાજપ સંતો અને હિન્દુ ધર્મને કલંકિત કરી રહી છે’ તેવા ગંભીર આક્ષેપો; રાજ્યવ્યાપી પ્રદર્શનો યોજી વડાપ્રધાનને સંબોધીને પાઠવ્યું આવેદનપત્ર

લખનૌ:ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં રાજકીય અને ધાર્મિક વિવાદના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્યો વિરુદ્ધ નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને સરકારના આ પગલાને ‘ધાર્મિક અત્યાચાર’ ગણાવ્યો હતો.
લખનૌમાં કોંગ્રેસના સેંકડો પદાધિકારીઓએ કલેક્ટર કચેરી પાસે એકત્ર થઈને ભારે હોબાળો મચાવ્યો હતો. કાર્યકરોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર જાણીજોઈને શંકરાચાર્ય જેવા ઉચ્ચ સંતોની છબી ખરડવાનો પ્રયાસ કરી રહી છે. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે પોલીસે કલેક્ટર કચેરીની સુરક્ષા વધારવી પડી હતી.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાયના આદેશ પર આયોજિત આ પ્રદર્શન બાદ, કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા મેજિસ્ટ્રેટ મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદનપત્ર મોકલ્યું હતું. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (નાણા અને મહેસૂલ) અમિત સિંહે આ આવેદનપત્ર સ્વીકાર્યું હતું. જેમાં માંગ કરવામાં આવી છે કે શંકરાચાર્ય સામેના તમામ પાયાવિહોણા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને સંતોનું સન્માન જાળવવામાં આવે.
કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "શંકરાચાર્ય અને તેમના શિષ્યો સાથે દુર્વ્યવહાર કરવો અને તેમની સામે FIR દાખલ કરવી એ સીધો જ ધાર્મિક સ્વતંત્રતા અને લોકશાહી અધિકારો પરનો હુમલો છે. ભાજપ હિન્દુ ધર્મના ધર્મગુરુઓને હેરાન કરવાનું બંધ કરે." પાર્ટીએ ચેતવણી આપી છે કે જો સંતો સામેનો ‘અત્યાચાર’ બંધ નહીં થાય, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અવારનવાર અનેક મુદ્દાઓ પર સરકારની નીતિઓની ટીકા કરતા રહ્યા છે, જેને કારણે આ કેસ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. લખનૌ ઉપરાંત વારાણસી અને પ્રયાગરાજમાં પણ આ જ પ્રકારે વિરોધ પ્રદર્શનો થયા હોવાના અહેવાલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
