<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ઓડિશામાં સિનિયર અધિકારીનાં ઘરમાંથી રૂ. ચાર કરોડ રોકડા જપ્ત

૩૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા : રાજ્‍યનાં ઈતિહાસમાં સૌથી મોટી રોકડ જપ્તી : લાંચ લેતા પકડાયા પછી દરોડા પાડવામાં આવ્‍યા હતાં

ભુવનેશ્વર, તા.૨૬:  ઓડિશા વિજિલન્‍સ ડિપાર્ટમેન્‍ટ માઇનિગ ડિપાર્ટમેન્‍ટનાં એક સીનિયર અધિકારીને લાંચ લેતા પકડી લઈને તેની ધરપકડ કરી છે. અધિકારીનાં ફલેટમાંથી ૪ કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવી છે.

ડિપાર્ટમેન્‍ટ દાવો કર્યો છે કે આ જપ્તી રાજ્‍યનાં ઈતિહાસની સૌથી મોટી રોકડ જપ્તી છે.

સૂત્રોનાં જણાવ્‍યા અનુસાર કટક સર્કલમાં માઈન્‍સનાં ડેપ્‍યુટી ડાયરેક્‍ટર તરીકે તૈનાત દેબબ્રત મોહંતીને ઓડિશા વિજિલન્‍સે અગાઉ ૩૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા પકડયા હતાં. તેમના પર એક લાયસન્‍સવાળા કોલસા વેપારી પાસેથી તેના કોલસા  ડેપોને યોગ્‍ય રીતે ચલાવવા અને કોલસા ટ્રાન્‍સપોર્ટેશનની પરવાનગી આપવાનાં બદલામાં નાણાં માંગવાનો આરોપ છે.

વિજિલન્‍સ ટીમે જાળ પાથરી અને મોહંતીને ૩૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા પકડી લીધા હતાં. તેની પાસેથી લાંચની સંપૂર્ણ રકમ જપ્ત કરી લેવામાં આવી છે. ધરપકડ પછી વિજિલન્‍સ  અધિકારીઓએ ત્રણ સ્‍થળોએ એક સાથે દરોડા પાડયા હતાં. જેમાં ભુવનેશ્વરમાં તેમના ફલેટ, ભદ્રક જિલ્‍લાનાં મથાસાહીમાં તેમનાં પૈતૃક ઘર અને ૧ કટકમાં તેમની ઓફિસનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન ભુવનેશ્વરના પાટિયાનાં શ્રીવિહાર ક્ષેત્રમાં નેચર ક્રેસ્‍ટ એપાર્ટમેન્‍ટમાં તેમના ફલેટમાંથી ૪ કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કરી હતી.

આ નાણાં ટ્રોલી બેગ અને તિજોરીઓમાં સંતાડવામાં આવ્‍યા હતાં. તપાસમાં અન્‍ય સંપત્તિઓ પણ મળી આવી છે. જેમાં ભુવનેશ્વરમા ૨૪૦૦ ચોરસ ફૂટમાં બનેલ એક બે માળનું મકાન તથા ૧૩૦ ગ્રામ સોનું સામેલ છે.

(10:39 AM IST)