<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

નકલી જજે પાંચ વર્ષ સુધી હાઈકોર્ટમાં આપ્‍યા ચુકાદા

પાકિસ્‍તાનમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યોઃ જજની કાનૂની ડિગ્રી જ નકલી હતી

ઇસ્‍લામાબાદ તા.૨૬: પાકિસ્‍તાનમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. ઇસ્‍લામાબાદ હાઈકોર્ટમાં એક જજ અનેક વર્ષો સુધી ચુકાદા આપતા રહ્યા, પરંતુ બાદમાં જાણવા મળ્‍યું કે તેમની કાનૂની ડિગ્રી જ નકલી હતી. ઇસ્‍લામાબાદ હાઈકોર્ટ (IHC)એ ૨૩ ફેબ્રુઆરીએ ૧૧૬ પાનાંનો વિગતવાર ચુકાદો જાહેર કર્યો હતો. આ ચુકાદામાં જાસ્‍ટિસ તારિક મહમૂદ જહાંગીરીને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્‍યા હતા. કોર્ટે સ્‍પષ્ટ કહ્યું હતું કે તેમની કાયદાની ડિગ્રી શરૂઆતથી જ અમાન્‍ય હતી. એટલે તેમની જજ તરીકેની નિમણૂક પણ કાનૂની રીતે ગેરકાયદે હતી.

હાઈકોર્ટને કરાચી યુનિવર્સિટીના રજિસ્‍ટ્રાર પાસેથી મૂળ રેકોર્ડ મળ્‍યા. તપાસમાં બહાર આવ્‍યું કે જહાંગીરીના શૈક્ષણિક દસ્‍તાવેજો નકલી હતા.કોર્ટે જણાવ્‍યું હતું કે તેમણે ૧૯૮૮માં ખોટા એનરોલમેન્‍ટ નંબરથી પરીક્ષા આપી હતી. તે દરમિયાન તેઓ નકલ કરતા ઝડપાયા હતા. ૧૯૮૯માં યુનિવર્સિટીએ તેમને ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા હતા, પરંતુ સજા સ્‍વીકારવાને બદલે તેમણે કથિત રીતે છેતરપિડીનો માર્ગ અપનાવ્‍યો હતો, એમ અહેવાલ કહે છે.

આગલા વર્ષે તેમણે ફરી પરીક્ષા આપી, પરંતુ આ વખતે ‘‘તારિક જહાંગીરી'' નામથી અને એવો એનરોલમેન્‍ટ નંબર વાપરીને- જે બીજા વિદ્યાર્થી ઇમ્‍તિયાઝ અહમદને ફાળવાયેલો હતો. ગવર્નમેન્‍ટ ઇસ્‍લામિયા લો કોલેજના પ્રિન્‍સિપાલે કોર્ટને જણાવ્‍યું હતું કે જહાંગીરી ક્‍યારેય તેમની સંસ્‍થામાં દાખલ જ થયા નહોતા.

કોર્ટે જણાવ્‍યું હતું કે જહાંગીરીને અનેક વાર તક આપવામાં આવી કે તેઓ તેમના મૂળ દસ્‍તાવેજો અને લેખિત જવાબ રજૂ કરે, પરંતુ તેમણે એવું કર્યું નહીં. તેને બદલે તેમણે ફુલ બેંચની માગ કરી, ચીફ જસ્‍ટિસને કેસમાંથી અલગ કરવાની અરજી કરી અને સુનાવણી ટાળવાનો પ્રયાસ કર્યો. તેમણે એ પણ કહ્યું કે સિધ હાઈકોર્ટમાં સંબંધિત કેસો બાકી છે.

બેંચે આ પ્રયત્‍નોને ‘‘વિલંબ કરવાની વ્‍યૂહરચનાની નીતિ'' ગણાવી. કોર્ટે કહ્યું કે જ્‍યારે અરજદાર પુરાવા રજૂ કરી ચૂક્‍યા છે, ત્‍યારે હવે જજની ફરજ હતી કે તેઓ પોતાની ડિગ્રી સાચી હોવાનું સાબિત કરે, પરંતુ તેઓ એવું કરવામાં નિષ્‍ફળ રહ્યા, તેથી કોર્ટે તેમના વિરુદ્ધ ચુકાદો આપ્‍યો.

જસ્‍ટિસ તારિક મહમૂદ જહાંગીરીની ડિસેમ્‍બર, ૨૦૨૦માં હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ ગયા વર્ષે સપ્‍ટેમ્‍બરથી તેમને ન્‍યાયિક કાર્યમાંથી રોકી દેવામાં આવ્‍યા હતા

(10:44 AM IST)