<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ત્રણ માસૂમ દીકરીઓ અને પત્‍નીની ક્રૂર હત્‍યા કરી પતિ ફરાર

દિલ્‍હીમાં રાક્ષસી કાંડઃ સમયપુર બાદલી વિસ્‍તારમાં એક મહિલા અને તેની ત્રણ માસૂમ બાળકીઓની ગળુ કાપીને હત્‍યા કરવામાં આવી : પોલીસે આરોપીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી

નવી દિલ્‍હી તા.૨૬: દિલ્‍હીના સમયપુર બાદલી વિસ્‍તારમાં આવેલા ચંદન પાર્કમાં એક દર્દનાક ઘટના બની છે. જ્‍યાં એક મહિલા અને તેની ત્રણ નાની બાળકીઓની નિર્દયતાથી હત્‍યા કરવામાં આવી છે. રાત્રે લગભગ ૯ વાગ્‍યે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. ઘરમાં અનિતા (લગભગ ૩૦ વર્ષની) અને તેની ૩ બાળકીઓના (૭, ૫ અને ૩ વર્ષ)ના મૃતદેહ મળી આવ્‍યા છે. ચારેયના ગળા તીક્ષ્ણ હથિયારથી કાપી નાખવામાં આવ્‍યા હતા. આખું ઘર લોહીથી રંગાઈ ગયું હતું.

પડોશીઓને શંકા થતાં તેમણે ઘરની અંદર જોયુ તો તેમના મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી. ત્‍યારબાદ પડોશીઓએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી સમયપુર બાદલી પોલીસ સ્‍ટેશનની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવી હતી. ઘરની અંદરનું દ્રશ્‍ય જોઈને પોલીસ અધિકારીઓ પણ હચમચી ગયા હતા. ચાર માસૂમ જીવનો અંત થઈ ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં શંકા અનિતાના પતિ પર છે. તે આઝાદપુર માર્કેટમાં શાકભાજી વેચે છે. ઘટના બન્‍યા પછી તે ઘરેથી ફરાર થઈ ગયો છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, રાત્રે પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો થયો હતો. તે પછી આ દુઃખદ ઘટના બની.

પોલીસે તરત જ ઘટનાસ્‍થળે ક્રાઈમ ટીમ અને ફોરેન્‍સિક નિષ્‍ણાતોને બોલાવ્‍યા. પુરાવા એકઠા કર્યા અને તપાસ શરૂ કરી. આરોપીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. તે બિહાર તરફ ભાગ્‍યો હોવાની શક્‍યતા છે, ત્‍યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ ઘટનાએ આખા વિસ્‍તારને હચમચાવી દીધો છે. નાના-નાના બાળકોનું આ રીતે અંત આવવો ખૂબ જ દર્દનાક છે. પોલીસ હજુ તપાસ ચાલુ રાખી છે અને આરોપીને પકડવાના પ્રયાસો કરી રહી છે.

(11:38 AM IST)