News of Thursday, 26th February 2026
શું પર્વતો પર આ કુદરતી જળ ભંડારના અંતની શરૂઆત થઈ ચૂકી છે ?
કાશ્મીરમાં વહેલી ગરમી શરૂ થવાથી અને ગ્લેશિયર પીગળવાની પ્રક્રિયા તેજ: પર્યાવરણવિદોમાં ભારે ચિંતા

શ્રીનગર: કાશ્મીર ફિલ્મમાં ચાલુ ફેબ્રુઆરી મહિનાના અંતમાં તાપમાનનો પારો ૨૧ ડિગ્રીને પાર કરી જતાં ગ્લેશિયોલોજિસ્ટ્સ (હિમનદી નિષ્ણાતો) માં ગંભીર ચિંતા પ્રસરી છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં જે તાપમાન હોય છે તેના કરતા આ વખતે ૧૦ ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે, જેના કારણે કાશ્મીરના ગ્લેશિયર નિર્ધારિત સમય કરતાં કેટલાય અઠવાડિયા વહેલા પીગળવાના તબક્કામાં આવી ગયા છે.
શિયાળાની ઋતુ હકીકતમાં ગ્લેશિયરના સર્જન અને સંગ્રહ માટે હોય છે, પરંતુ આ વર્ષે લાંબા સમય સુધી પડેલા દુષ્કાળ અને અસામાન્ય ગરમીએ કુદરતી ચક્રને ખોરવી નાખ્યું છે.
શ્રીનગર હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મુખ્તાર અહેમદના જણાવ્યા અનુસાર, શિયાળાનું અસામાન્ય તાપમાન બરફના જથ્થાને સ્થિર હિમમાં રૂપાંતરિત થતા પહેલા જ નબળો પાડી દે છે. હિમ જમા થવાને બદલે વહેલું પીગળી રહ્યું છે, જેના કારણે ગ્લેશિયરનું સંતુલન નકારાત્મક બની રહ્યું છે.
લદ્દાખ હવામાન વિભાગના ડાયરેક્ટર સોનમ લોટસે પણ ચેતવણી આપી છે કે હિમાલયના ગ્લેશિયર શિયાળાની ગરમી પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે અને જો બરફવર્ષા ઘટે તો ગ્લેશિયરને ફરી જીવંત થવાનો સમય જ મળતો નથી.
સેટેલાઈટ અને ફિલ્ડ સ્ટડીઝના આંકડા દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં ગ્લેશિયર સંકોચવાની પ્રક્રિયા અત્યંત ઝડપી બની છે. છેલ્લા દાયકાઓમાં આ વિસ્તારના ૧૮ ટકાથી વધુ ગ્લેશિયર પાછળ હટી ગયા છે. પશ્ચિમ હિમાલયના કેટલાક ભાગોમાં દર વર્ષે સરેરાશ ૩૦ થી ૪૦ સેન્ટિમીટર પાણી જેટલો બરફ ઓછો થઈ રહ્યો છે.
કાશ્મીરના સૌથી મોટા 'કોલાહોઈ' ગ્લેશિયરે ૨૦મી સદીના મધ્યથી અત્યાર સુધીમાં તેના વિસ્તારનો ૨૦ થી ૨૫ ટકા હિસ્સો ગુમાવી દીધો છે. આ ગ્લેશિયર દક્ષિણ કાશ્મીરમાં ખેતી અને પીવાના પાણી માટે મુખ્ય સ્ત્રોત ગણાતી લિદ્દર નદીનો આધાર છે.
તાપમાનમાં વધારો ગ્લેશિયરને ત્રણ રીતે નુકસાન પહોંચાડે છે: પ્રથમ, વહેલો બરફ પીગળવાથી નીચેની જૂની બરફની સપાટી ખુલ્લી થાય છે; બીજું, નવી બરફવર્ષાના અભાવે રક્ષણાત્મક કવચ મળતું નથી; અને ત્રીજું, ખુલ્લી થયેલી ઘેરા રંગની બરફની સપાટી સૂર્યના કિરણોને વધુ શોષે છે, જેનાથી પીગળવાની ગતિ તેજ થાય છે. નિષ્ણાતોના મતે ગરમ ઉનાળા કરતા ગરમ શિયાળો ગ્લેશિયર માટે વધુ ઘાતક સાબિત થાય છે.
પીર પંજાલ અને સોનમર્ગ જેવા વિસ્તારોમાં ગ્લેશિયર દર વર્ષે કેટલાય મીટર પાછળ હટી રહ્યા છે. લદ્દાખમાં સેટેલાઈટ ઈમેજરી દ્વારા જાણવા મળ્યું છે કે ગ્લેશિયર પીગળવાથી બનેલી તળાવોની સંખ્યા વધી રહી છે, જે ભવિષ્યમાં પૂર આવવાનો સંકેત આપે છે.
જો આ જ ગતિ ચાલુ રહેશે તો સદીના મધ્ય સુધીમાં પશ્ચિમ હિમાલયમાં ગ્લેશિયરનું પ્રમાણ ઘણું ઘટી જશે, જેની સીધી અસર સિંચાઈ, હાઈડ્રોપાવર અને પીવાના પાણીના પુરવઠા પર પડશે. અત્યારે ભલે ખીણમાં વસંતના આગમન જેવો અહેસાસ થતો હોય, પરંતુ પર્વતો પર આ કુદરતી જળ ભંડારના અંતની શરૂઆત હોઈ શકે છે. (સુરેશ ડુગ્ગર જમ્મુ અકિલા દ્વારા)
ફેબ્રુઆરીના અંતમાં તાપમાનનો પારો ૨૧ ડિગ્રીને પાર કરી ગયો: ગ્લેશિયોલોજિસ્ટ્સમાં ગંભીર ચિંતા: સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં જે તાપમાન હોય છે તેના કરતા આ વખતે ૧૦ ડિગ્રી જેટલો વધારો
પીર પંજાલ અને સોનમર્ગ જેવા વિસ્તારોમાં ગ્લેશિયર દર વર્ષે કેટલાય મીટર પાછળ હટી રહ્યા છે. લદ્દાખમાં સેટેલાઈટ ઈમેજરી દ્વારા જાણવા મળ્યું છે કે ગ્લેશિયર પીગળવાથી બનેલી તળાવોની સંખ્યા વધી રહી છે, જે ભવિષ્યમાં પૂર આવવાનો સંકેત આપે છે
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
