હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હાઈવે પર હવે ‘સ્પીડ'માં કામ થશેઃ ‘રાજમાર્ગ પ્રવેશ' પોર્ટલથી NOC મેળવવું થયું સરળ
ગડકરીએ ડિજિટલ ક્રાંતિનું કર્યુ ઉદ્ઘાટન : પેટ્રોલ પંપથી લઈને ફૂડ કોર્ટ સુધીની તમામ મંજૂરીઓ હવે એક જ ક્લિક પર

નવી દિલ્હી, તા.૨૬: ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો હવે માત્ર રસ્તાઓ જ નહીં, પણ સમળદ્ધિના દ્વાર બનવા જઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલા રાજમાર્ગ પ્રવેશ પોર્ટલના અપગ્રેડેડ વર્ઝનના કારણે રાહત મળશે. હવે જો તમારે હાઈવે પર પેટ્રોલ પંપ, ફૂડ પોઈન્ટ કે હોટેલ શરૂ કરવી હોય, તો સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ ડિજિટલ પ્લેટફોર્મને ખુલ્લું મૂકતા જણાવ્યું કે, આનાથી અરજી પ્રક્રિયામાં અભૂતપૂર્વ ઝડપ અને પારદર્શિતા આવશે, જેનો સીધો ફાયદો સામાન્ય નાગરિકો અને મોટા ઉદ્યોગ સાહસિકો બંનેને મળશે.
આ પોર્ટલ માત્ર વ્યવસાયિક એકમો માટે જ નહીં, પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પણ વરદાન સાબિત થશે. ટેલિકોમ કંપનીઓએ ઓપ્ટિકલ ફાઈબર કેબલ નાખવા હોય, ગેસ પાઈપલાઈન બિછાવવી હોય કે પાવર લાઈન સ્થાપિત કરવી હોય, તમામ પ્રકારની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હવે એક જ વિન્ડો પરથી ઉપલબ્ધ થશે. અગાઉ જે કામો માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી, તે હવે નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થશે. અરજદારો પોતાની અરજીની સ્થિતિ પણ રિયલ ટાઈમ ચેક કરી શકશે, જેનાથી ભ્રષ્ટાચારની શકયતાઓ નહિવત થઈ જશે.
૧.૪૫ લાખ કિલોમીટરથી વધુ લાંબુ ભારતનું હાઈવે નેટવર્ક હવે લોજિસ્ટિક્સ અને આતિથ્ય સત્કારનું હબ બની રહ્યું છે. નવા પોર્ટલને કારણે રોડ પરમિટ અને કનેક્ટિંગ રોડ બનાવવાની પ્રક્રિયા સરળ થતા હાઈવે પર મુસાફરો માટેની સુવિધાઓમાં મોટો ઉછાળો આવશે. પ્રવાસીઓને હવે દર થોડા કિમીએ આધુનિક ફૂડ કોર્ટ, સ્વચ્છ રિફ્રેશમેન્ટ એરિયા અને ઈંધણની સુવિધા મળી રહેશે. આનાથી માત્ર મુસાફરીનો આનંદ જ નહીં વધે, પણ હજારો સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પણ પ્રાપ્ત થશે.
ડિજિટલ ઈન્ડિયાના વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટથી સમય અને સંસાધનોની મોટી બચત થશે. રાજ્ય સરકારોના પ્રોજેક્ટ્સ હોય કે ખાનગી કંપનીઓના રોકાણ, રાજમાર્ગ પ્રવેશ પોર્ટલ એક સેતુ તરીકે કામ કરશે. મંત્રાલયના મતે, આ પારદર્શક સિસ્ટમને કારણે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ કરવું હવે પહેલા કરતા ઘણું સુરક્ષિત અને ઝડપી બન્યું છે. ટૂંકમાં, હવે ભારતના હાઈવે ગતિની સાથે સાથે સુવિધા અને વ્યવસાયની નવી ઊંચાઈઓ સર કરવા માટે સજ્જ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
