હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રેલવે મુસાફરો માટે લોટરી લાગીઃ હવે વળતર મેળવવા કોર્ટ-કચેરીના ધક્કા નહિ ખાવા પડે
રેલવે મંત્રીની મોટી જાહેરાતઃ લોન્ચ કર્યુ e-RCT પોર્ટલ : ઘરબેઠા મળશે અકસ્માત કે સામાનના નુકસાનનું વળતર; ઓનલાઇન સુનાવણી અને ડિજિટલ પેમેન્ટથી સામાન્ય જનતાને મોટી રાહત

નવી દિલ્હી, તા.૨૬: ભારતીય રેલવે હવે ટેકનોલોજીના પાટા પર પૂરપાટ ઝડપે દોડી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરોની વર્ષો જૂની પીડાનો અંત લાવતા ઇલેક્ટ્રોનિક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ સુવિધા બાદ હવે રેલવે અકસ્માત, સામાનની ચોરી કે નુકસાનના કિસ્સામાં વળતર મેળવવા માટે રેલવે ઓફિસો કે ટ્રિબ્યુનલના ચક્કર કાપવા ભૂતકાળ બની જશે. રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ ડિજિટલ પ્લેટફોર્મનો હેતુ વિવાદોનું ઝડપી અને પારદર્શક નિરાકરણ લાવવાનો છે, જેથી પીડિત મુસાફરોને ન્યાય મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી ન પડે.
e-RCT પોર્ટલની સૌથી આકર્ષક બાબત એ છે કે તે સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ છે. હવે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે, દુનિયાના કોઈ પણ ખૂણેથી ઓનલાઈન દાવો ફાઈલ કરી શકશે. આ પોર્ટલ પર માત્ર ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને સિસ્ટમ આપમેળે કેસની ફાળવણી કરશે. એટલું જ નહીં, હવે સુનાવણી માટે પણ પ્રત્યક્ષ હાજર રહેવાની જરૂર નથી; ઈ-સુનાવણી દ્વારા વિડીયો કોન્ફરન્સિંગથી કેસ લડી શકાશે. આનાથી સમય અને નાણાં બંનેની બચત થશે અને વળતરની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પ્રસંગે રેલવે મંત્રીએ માત્ર રેલવે જ નહીં, પણ સમગ્ર ડિજિટલ સુરક્ષા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા અને ટેક પ્લેટફોર્મ્સને કડક ચેતવણી આપતા જણાવ્યું કે, હવે પ્લેટફોર્મ્સે પોતે હોસ્ટ કરેલી સામગ્રીની જવાબદારી લેવી પડશે. ખાસ કરીને બાળકોની ઓનલાઈન સુરક્ષા અને લોકોની પ્રાઈવસી સાથે થતા ચેડાં સાંખી લેવામાં આવશે નહીં. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના યુગમાં કોઈના ચહેરા કે અવાજનો દુરુપયોગ કરીને ખોટી સામગ્રી બનાવવી એ ગંભીર ગુનો છે અને પ્લેટફોર્મ્સે આ દિશામાં જવાબદારીપૂર્વક વર્તવું પડશે.
છેલ્લા કેટલાક સમયમાં ડિજિટલ ઈન્ડિયાના વિઝન સાથે રેલવેના વહીવટમાં જે પારદર્શિતા આવી છે, e-RCT તેનું ઉત્તમ ઉદાહરણ છે. અગાઉ વળતરના હજારો કેસો પેન્ડિંગ રહેતા હતા, પરંતુ આ નવી સિસ્ટમથી કેસોનો નિકાલ એક્સપ્રેસ ગતિએ થશે. રેલવે મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે જો પ્લેટફોર્મ સુરક્ષાના ધોરણોમાં નિષ્ફળ જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ, ભારતીય રેલવે હવે માત્ર મુસાફરી જ નહીં, પણ મુસાફરોની સુરક્ષા અને તેમના હકોના રક્ષણ માટે પણ હાઈ-ટેક બની રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
