હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટ પર કીચડ ઉછાળવાનું પરિણામ ભોગવવું પડશેઃ NCERT ની માફી ફગાવી
CJI સૂર્યકાંતનું આકરું વલણઃ ભાવિ પેઢીના મનમાં અદાલતો પ્રત્યે ઝેર ઘોળવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ સુપ્રીમ કોર્ટે બિનશરતી માફી સ્વીકારવાનો ઈનકાર કરી તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી, તા.૨૬: દેશની સર્વોચ્ચ અદાલતે આજે NCERT વિરુદ્ધ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેનાથી શિક્ષણ જગતમાં સોપો પડી ગયો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે સંસ્થાની બિનશરતી માફી હવે કામ નહીં આવે. ધોરણ ૮ ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ન્યાયતંત્રને જે રીતે ભ્રષ્ટ અને પેન્ડિંગ કેસોના ભાર તળે દબાયેલું દર્શાવવામાં આવ્યું છે, તેને કોર્ટે ન્યાયતંત્રની ગરિમા પર સીધો હુમલો ગણાવ્યો છે. CJI એ ટકોર કરી કે માફી માંગવી એ આટલા મોટા અપરાધનો ઉકેલ નથી.
સુનાવણી દરમિયાન કોર્ટે અત્યંત વેધક સવાલો પૂછયા હતા કે, આખરે આ પુસ્તક પ્રકાશિત કરવાની મંજૂરી કોણે આપી? ન્યાયતંત્રના વડા તરીકે CJI એ જણાવ્યું કે બાળકોના કુમળા માનસ પર લોકશાહીના ત્રીજા સ્તંભ વિશે નકારાત્મક છબી ઊભી કરવી એ માત્ર ભૂલ નથી, પણ એક ઊંડું કાવતરું હોઈ શકે છે. પુસ્તકમાં ન્યાયતંત્રના સારા કાર્યો અથવા ન્યાય અપાવવાના પ્રયાસોને બદલે માત્ર નકારાત્મકતાને જ કેમ સ્થાન આપવામાં આવ્યું, તે બાબતે કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી.સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે અગાઉ આ મુદ્દે પ્રશ્નો ઉઠ્યા હતા, ત્યારે NCERT ના જવાબદાર અધિકારીઓએ પોતાની ભૂલ સુધારવાને બદલે સામગ્રીનો બચાવ કર્યો હતો. આ વલણને કારણે સુપ્રીમ કોર્ટ વધુ આક્રમક બની છે. કોર્ટે આદેશ આપ્યો છે કે વિવાદાસ્પદ પ્રકરણ ધરાવતી તમામ હાર્ડ અને સોફ્ટ કોપીઓ તાત્કાલિક અસરથી બજાર અને શાળાઓમાંથી પાછી ખેંચી લેવામાં આવે. CJI એ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી આ લખાણ પાછળના અસલી માસ્ટરમાઈન્ડ સુધી નહીં પહોંચાય ત્યાં સુધી આ કેસ બંધ કરવામાં આવશે નહીં.
આ કેસમાં હવે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને NCERT ના ડાયરેક્ટર પર કાયદાકીય તલવાર લટકી રહી છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર પ્રકરણની ઊંડી તપાસ કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટનું માનવું છે કે જો અત્યારે આ બાબતને હળવાશથી લેવામાં આવશે, તો ભવિષ્યમાં કોઈ પણ સંસ્થા બંધારણીય સંસ્થાઓનું અપમાન કરતા અચકાશે નહીં. હવે જોવાનું એ રહેશે કે આગામી સુનાવણીમાં NCERT પોતાની બચાવમાં કયા પુરાવા રજૂ કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
