<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

યુપીના વિકાસને લાગી જાપાની પાંખો: સીએમ યોગી અને યમાનાશી વચ્ચે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી, હવે યુપીના યુવાનો જાપાનમાં લેશે હાઈટેક ટ્રેનિંગ

વડાપ્રધાન મોદીના 'નેટ ઝીરો' લક્ષ્યને સાકાર કરવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો મોટો માસ્ટરસ્ટ્રોક; રોબોટિક્સ અને ઉર્જા ક્ષેત્રે ઉત્તર પ્રદેશ ગ્લોબલ હબ બનશે

 

 

ટોક્યો, તા. ૨૬: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાપાન મુલાકાતે રાજ્યના વિકાસના ઈતિહાસમાં એક નવું સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. જાપાનના યમાનાશીમાં આયોજિત 'યુપી ઇન્વેસ્ટમેન્ટ રોડ શો' દરમિયાન એક ઐતિહાસિક નિર્ણય લેતા, ઉત્તર પ્રદેશ સરકાર અને જાપાનના યમાનાશી પ્રીફેક્ચર વચ્ચે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર માત્ર કાગળ પરની સમજૂતી નથી, પરંતુ યુપીના યુવાનો માટે વૈશ્વિક તકોના દ્વાર ખોલનારી એક મોટી પહેલ છે.

આ કરારની સૌથી રોમાંચક બાબત એ છે કે હવે ઉત્તર પ્રદેશની ટેકનિકલ સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ જાપાન જઈને ગ્રીન હાઇડ્રોજન જેવી અત્યાધુનિક ટેકનોલોજીમાં ઉચ્ચ સ્તરીય તાલીમ મેળવશે. આ ટેકનોલોજીનો ઉપયોગ આગામી સમયમાં રાજ્યના જાહેર પરિવહન, ભારે ઉદ્યોગો અને ઉર્જા ક્ષેત્રોમાં કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ભાગીદારી ભારત અને જાપાનના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ સુરક્ષાના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

શાસન શૈલીમાં આવેલા મોટા પરિવર્તનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ ગર્વભેર જણાવ્યું કે, "ઉત્તર પ્રદેશે હવે 'રિએક્ટિવ' (પ્રતિક્રિયાશીલ) ને બદલે 'પ્રો-એક્ટિવ' (સક્રિય) મોડેલ અપનાવ્યું છે." તેમણે જાપાનના ઉદ્યોગપતિઓને રાજ્યની શક્તિઓથી વાકેફ કરતા કહ્યું કે ૨૫ કરોડની વસ્તી ધરાવતું યુપી આજે ભારતનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. છેલ્લા નવ વર્ષમાં રાજ્યની માથાદીઠ આવક ત્રણ ગણી વધી છે, જે રોકાણકારો માટે એક સુરક્ષિત અને સમૃદ્ધ વાતાવરણ પૂરું પાડે છે.

માત્ર ગ્રીન હાઇડ્રોજન જ નહીં, પણ ભવિષ્યની ટેકનોલોજી ગણાતા રોબોટિક્સ પર પણ સરકારે ભાર મૂક્યો છે. સીએમ યોગીએ જાહેરાત કરી કે રાજ્યના બજેટમાં રોબોટિક્સ માટે 'સેન્ટર ઓફ એક્સેલન્સ' સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન યોગી આદિત્યનાથે જાપાનની પ્રખ્યાત 'મેગ્લેવ' ટ્રેનનો પણ અનુભવ લીધો હતો, જે ૬૦૦ કિમી/કલાકની ઝડપે હવામાં તરતી ચાલે છે. આ ઐતિહાસિક મુલાકાત સમયે નાણામંત્રી સુરેશ ખન્ના, ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ નંદી અને જાપાનમાં ભારતીય રાજદૂત નગ્મા મલિક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(3:37 PM IST)