હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સીમાંચલમાં ગર્જ્યા અમિતભાઈ શાહ: "ઘૂસણખોરો પેક કરી લે પોતાનો સામાન", આંતરરાષ્ટ્રીય સરહદના 10 કિમી વિસ્તારમાં ચાલશે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર
બિહાર, બંગાળ અને ઝારખંડમાં વસ્તી વિષયક ફેરફાર દેશની સુરક્ષા માટે ખતરો; SSB ને સરહદ પર 'બાજ નજર' રાખવા ગૃહમંત્રીનો કડક આદેશ

અરરિયા, તા. ૨૬: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બિહારના સરહદી સીમાંચલ ક્ષેત્રમાં શંખનાદ કરતા ઘૂસણખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આરપારની લડાઈનું એલાન કર્યું છે. અરરિયાના સિક્ટીમાં SSB (સશસ્ત્ર સીમા દળ) ની 52મી બટાલિયનના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા શાહે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ભારતની સુરક્ષા સાથે બાંધછોડ કરનારા તત્વોને હવે બક્ષવામાં આવશે નહીં.
ગૃહમંત્રીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદની 10 કિલોમીટરની ત્રિજ્યામાં જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે, તેને ઓળખીને તોડી પાડવા માટે ટૂંક સમયમાં એક ખાસ 'એક્શન પ્લાન' અમલમાં મૂકવામાં આવશે. બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વધી રહેલી ઘૂસણખોરીને દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર પડકાર ગણાવતા તેમણે કહ્યું કે, સરહદી જિલ્લાઓમાં બદલાઈ રહેલી વસ્તીની રૂપરેખા (Demographic Change) ચિંતાનો વિષય છે અને તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
શાહે SSB ના જવાનો અને અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે સરહદ પરથી થતી દાણચોરી અને ઘૂસણખોરી રોકવા માટે ટેકનોલોજી અને સતર્કતાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે મોદી સરકાર 'વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' હેઠળ સરહદી ગામડાઓને મજબૂત બનાવી રહી છે, જેથી પલાયન અટકે અને દેશની સુરક્ષા કવચ વધુ અભેદ્ય બને.
પોતાના ત્રણ દિવસીય સીમાંચલ પ્રવાસ દરમિયાન અમિતભાઈ શાહે કિશનગંજના હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી, જ્યાં 'જય શ્રી રામ'ના નારાઓ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શુક્રવારે તેઓ પૂર્ણિયામાં ઉચ્ચ સ્તરીય વહીવટી બેઠકો અને વિશાળ જાહેર રેલીને સંબોધિત કરશે, જેમાં સરહદી જિલ્લાઓના સુરક્ષા વ્યવસ્થાપન અને વિકાસ યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
