હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હાઈકોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પાકિસ્તાની જાહેર કરાયેલા શખ્સે અચાનક ખિસ્સામાંથી 'ભારતીય પાસપોર્ટ' કાઢતા જજ પણ ચોંકી ગયા, પછી જે થયું તે જોવા જેવું હતું!
પોલીસ હેરાન કરતી હોવાની ફરિયાદ લઈને ગયેલા સૈયદ રિઝવીની પોલ ખુલી; કરાચીમાં જન્મ અને પાકિસ્તાની દસ્તાવેજોના પુરાવા સામે આવતા કોર્ટે ફટકાર્યો જોરદાર ઠપકો

હૈદરાબાદ, તા. ૨૬: તેલંગાણા હાઈકોર્ટના કોર્ટરૂમમાં બુધવારે કોઈ ફિલ્મી દ્રશ્ય જેવો નજારો જોવા મળ્યો હતો. હૈદરાબાદના યાકુતપુરામાં રહેતા ૩૩ વર્ષીય સૈયદ અલી હુસૈન રિઝવી નામના વ્યક્તિએ પોલીસની પૂછપરછથી બચવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ સુનાવણી દરમિયાન એક એવો વળાંક આવ્યો કે ન્યાયાધીશો પણ અચંબિત થઈ ગયા હતા. જે વ્યક્તિને અત્યાર સુધી પાકિસ્તાની નાગરિક માનવામાં આવતો હતો, તેણે અચાનક જજ સામે 'ભારતીય પાસપોર્ટ' ધરી દીધો!
શું હતો સમગ્ર વિવાદ?
રિઝવીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેનો જન્મ અને ઉછેર હૈદરાબાદમાં થયો છે, છતાં પોલીસ તેને પાકિસ્તાની ગણીને વારંવાર પૂછપરછ કરે છે અને 'લોન્ગ ટર્મ વિઝા' (LTV) માટે દબાણ કરે છે. જોકે, જ્યારે સરકારી વકીલ મહેશ રાજેએ પુરાવા રજૂ કર્યા ત્યારે રિઝવીની દલીલો પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. સરકારી રેકોર્ડ મુજબ, રિઝવીનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો અને તેની માતાના પાકિસ્તાની પાસપોર્ટમાં તેનું નામ 'ઇમરાન આબિદ' તરીકે નોંધાયેલું છે.
કોર્ટમાં ખુલી પોલ
જ્યારે રિઝવીના વકીલે ૨૦૨૨માં જારી થયેલો પાસપોર્ટ રજૂ કર્યો, ત્યારે સરકારે સ્પષ્ટ કર્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે આવા કોઈ પાસપોર્ટનો રેકોર્ડ જ નથી! આ ઉપરાંત, રિઝવીએ પોતે જ જુલાઈ ૨૦૨૫માં પોતાને પાકિસ્તાની નાગરિક ગણાવીને વિઝા માટે અરજી કરી હતી. જ્યારે વકીલે બચાવ કર્યો કે પોલીસે 'દબાણ' કરીને સહી કરાવી હતી, ત્યારે ચીફ જસ્ટિસ અપરેશ કુમાર સિંહની બેન્ચે આકરા સવાલો કર્યા હતા.
જજની ફટકાર અને અપીલ પાછી ખેંચી
ન્યાયાધીશે તીખી પ્રતિક્રિયા આપતા પૂછ્યું કે, "જો તમારી પાસે પાસપોર્ટ હતો, તો જ્યારે પોલીસ ઘરે આવી ત્યારે કેમ ન બતાવ્યો? અને તમારા પાસપોર્ટનું નામ માતાના રેકોર્ડ સાથે કેમ મેચ થતું નથી?" કોર્ટના આકરા વલણ અને પકડાઈ જવાની બીકે અરજદારે તાત્કાલિક પોતાની અપીલ પાછી ખેંચી લેવી પડી હતી. કોર્ટે આ પાસપોર્ટની સત્યતા તપાસવાનો ઇનકાર કરી દીધો અને પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની છૂટ આપી દીધી છે. આ કિસ્સો હવે હૈદરાબાદમાં ચર્ચાનો વિષય બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
