<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

બોક્સ ઓફિસ પર 'રોકિંગ સ્ટાર' યશનો જલવો: રિલીઝ પહેલા જ 'ટોક્સિક' એ રચ્યો ઈતિહાસ, તમિલનાડુમાં ₹63 કરોડની રેકોર્ડબ્રેક ડીલથી મચાવી દીધી ધૂમ!

KGF ના 'રોકી ભાઈ' નો ક્રેઝ સાતમા આસમાને; નયનતારા અને કિયારા અડવાણી જેવા સિતારાઓથી સજેલી 'ટોક્સિક' તમિલનાડુમાં તોફાન લાવવા તૈયાર

ચેન્નાઈ, તા. ૨૬: ભારતીય સિનેમામાં અત્યારે જો કોઈ એક નામનો ડર અને દબદબો બંને હોય તો તે છે 'રોકિંગ સ્ટાર' યશ. તેની આગામી ફિલ્મ "ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ" એ રિલીઝ પહેલા જ દક્ષિણ ભારતના બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. તાજેતરના અહેવાલો મુજબ, તમિલનાડુમાં આ ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ અધધ ₹63 કરોડના એડવાન્સ અને કમિશન સાથે ફાઈનલ થયા છે. આ ડીલને તાજેતરના વર્ષોની સૌથી મોટી બિઝનેસ ડીલ માનવામાં આવી રહી છે.

યશની લોકપ્રિયતા હવે માત્ર કર્ણાટક પૂરતી મર્યાદિત નથી, પરંતુ તમિલનાડુના ખૂણેખૂણે તેની શક્તિશાળી સ્ક્રીન પ્રેઝન્સનો જાદુ છવાયેલો છે. આ ભવ્ય સફળતા પાછળ 'KGF: ચેપ્ટર ૨' ની ઐતિહાસિક કમાણી અને યશની આગવી શૈલી મુખ્ય કારણો છે. ફિલ્મને સમગ્ર તમિલનાડુમાં મજબૂત રીતે પહોંચાડવા માટે થિંક સ્ટુડિયો, વ્હાઇટ નાઈટ્સ અને એસ પિક્ચર જેવા દિગ્ગજ ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે હાથ મિલાવવામાં આવ્યા છે. ચેન્નાઈથી લઈને કન્યાકુમારી સુધીના દરેક થિયેટરમાં 'ટોક્સિક' નો ડંકો વાગશે તે હવે નક્કી છે.

ગીતુ મોહનદાસ ના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ખૂબ જ મજબૂત છે. ફિલ્મમાં લેડી સુપરસ્ટાર નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, રુક્મિણી વસંત અને તારા સુતારિયા જેવા મોટા ચહેરાઓ જોવા મળશે. આ ફિલ્મ માત્ર કન્નડ જ નહીં, પણ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી અનેક ભાષાઓમાં વિશ્વભરમાં ધૂમ મચાવશે.

KVN પ્રોડક્શન્સ અને મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે. જે રીતે અત્યારથી જ કરોડના સોદાઓ થઈ રહ્યા છે, તે જોતા ટ્રેડ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે યશ ફરી એકવાર બોક્સ ઓફિસ પર કમાણીના નવા શિખરો સર કરશે.

(3:43 PM IST)