<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

અમિતાભ અને મનમોહન દેસાઈના અતૂટ સંબંધોની અનકહી કહાની: "તમે મને છોડો તો ખબર નથી, પણ હું તમને ક્યારેય નહીં છોડું!" - જ્યારે દિગ્દર્શકે પાર્ટીમાં બિગ બીને આપ્યું હતું વચન

૭૦ અને ૮૦ના દાયકાના 'માસ્ટર ઓફ મસાલા' મનમોહન દેસાઈની જન્મજયંતિ પર યાદગાર કિસ્સો; 'અમર અકબર એન્થોની' થી શરૂ થયેલો જાદુ 'ગંગા જમુના સરસ્વતી' સુધી અકબંધ રહ્યો

મુંબઈ, તા. ૨૬: ભારતીય સિનેમાના ઇતિહાસમાં દિગ્દર્શક અને અભિનેતાની ઘણી જોડીઓ આવી અને ગઈ, પરંતુ મનમોહન દેસાઈ અને અમિતાભ બચ્ચન જેવી 'ડેડલી' જોડી ભાગ્યે જ કોઈ જોવા મળી હશે. આજે ૨૬ ફેબ્રુઆરીએ જ્યારે ફિલ્મ જગત મનમોહન દેસાઈનો જન્મદિવસ ઉજવી રહ્યું છે, ત્યારે તેમની અને શહહિનશાહ અમિતાભ બચ્ચન વચ્ચેની તે ભાવુક પળો યાદ આવે છે જેણે બોલિવૂડને નવી ઓળખ આપી હતી.

આ મિત્રતાની શરૂઆત ૧૯૭૭માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'અમર અકબર એન્થોની' થી થઈ હતી. આ ફિલ્મની સફળતાની પાર્ટીમાં દારૂના નશામાં નહીં, પણ મિત્રતાના નશામાં મનમોહન દેસાઈએ અમિતાભ બચ્ચનની આંખોમાં જોઈને એક પહાડ જેવું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "અમિત, મને ખબર નથી કે સફળતા મળ્યા પછી તમે મને છોડી દેશો કે નહીં, પણ હું તમને ક્યાંય છોડીને જવાનો નથી." અને ખરેખર, દેસાઈએ તેમના જીવનના અંત સુધી આ વચન નિભાવ્યું.

મનમોહન દેસાઈ અમિતાભ બચ્ચનને પોતાની ફિલ્મોનો 'આત્મા' ગણાવતા હતા. આ જોડીએ સાથે મળીને 'નસીબ', 'સુહાગ', 'દેશ પ્રેમી', 'કુલી', અને 'મર્દ' જેવી એકથી એક ચડિયાતી સુપરહિટ ફિલ્મો આપી હતી. એવું કહેવાય છે કે મનમોહન દેસાઈની દરેક સ્ક્રિપ્ટમાં 'એન્થોની ગોન્સાલ્વિસ' ના પાત્ર જેવી એક ખાસ જગ્યા અમિતાભ માટે અનામત રહેતી હતી. અમિતાભ પણ વારંવાર સ્વીકારે છે કે તેમની એગ્રી યંગ મેન ઈમેજને મનોરંજનના મસાલા સાથે જોડીને ગ્લોબલ સ્ટાર બનાવવામાં દેસાઈનો મોટો ફાળો છે.

૧૯૯૪માં મનમોહન દેસાઈનું દુઃખદ અવસાન થયું, પરંતુ તેમણે બનાવેલી ફિલ્મો અને અમિતાભ સાથેનું તેમનું બંધન આજે પણ હિન્દી સિનેમાના ઈતિહાસમાં અમર છે. એક એવો સમય હતો જ્યારે બોક્સ ઓફિસ પર માત્ર મનમોહન દેસાઈનું નામ જ ફિલ્મ હિટ કરાવવા માટે પૂરતું હતું, અને તેની પાછળ બિગ બી પ્રત્યેનો તેમનો અતૂટ વિશ્વાસ જ કામ કરતો હતો

(4:10 PM IST)