<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

જીનીવામાં એસ. જયશંકરની ગર્જના: "માનવ અધિકારોના નામે બેવડા ધોરણો હવે નહીં ચાલે", આતંકવાદને માનવતાનો સૌથી મોટો દુશ્મન ગણાવી પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં ભારતનો સ્પષ્ટ સંદેશ; રાજકીયકરણ છોડી ગરીબ અને વંચિતોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવવા વિદેશ મંત્રીની અપીલb

જીનીવા, તા. ૨૬: વિશ્વ મંચ પર પોતાની ધારદાર દલીલો માટે જાણીતા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર જીનીવામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) માં ભારતનો ડંકો વગાડ્યો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા પરિષદને સંબોધતા જયશંકરે વિશ્વના શક્તિશાળી દેશો દ્વારા માનવ અધિકારોના મુદ્દે અપનાવવામાં આવતા 'સિલેક્ટિવ' અભિગમ અને બેવડા ધોરણો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે માનવ અધિકાર એ માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ તે સામાન્ય લોકોના જીવનમાં આવતા નક્કર સુધારાનું માપદંડ હોવું જોઈએ.

જયશંકરે આતંકવાદને માનવ અધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે, "કોઈપણ આતંકવાદી કૃત્યને યોગ્ય ઠેરવી શકાય નહીં, ખાસ કરીને જ્યારે તે નિર્દોષ નાગરિકોના જીવ લેતું હોય. આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવી જ પડશે." તેમણે પશ્ચિમી દેશોની માનસિકતા પર કટાક્ષ કરતા જણાવ્યું કે માનવ અધિકારોના મુદ્દાનું રાજકીયકરણ કરવાને બદલે ક્ષમતા નિર્માણ અને વાસ્તવિક વિકાસ પર ધ્યાન આપવાની જરૂર છે.

ભારતની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ભારત આજે વિશ્વમાં એક 'બ્રિજ બિલ્ડર' (સેતુ નિર્માતા) તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરમાં જ ૧૮૮ માંથી ૧૭૭ મતો મેળવીને સાતમી વખત કાઉન્સિલમાં ચૂંટાવું એ ભારતની લોકશાહી અને ન્યાય પ્રણાલીમાં વિશ્વના વિશ્વાસનું પ્રતિક છે. તેમણે ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) નું ઉદાહરણ આપતા કહ્યું કે કેવી રીતે ટેકનોલોજીના માધ્યમથી લાખો લોકોને પારદર્શક રીતે સરકારી યોજનાઓનો લાભ આપીને તેમના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું છે.

સંબોધનના અંતે તેમણે ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) નો અવાજ ઉઠાવતા કહ્યું કે, રોગચાળો, આબોહવા પરિવર્તન અને ભૂ-રાજકીય તણાવને કારણે વધતી અસમાનતાને દૂર કરવી એ જ સાચો માનવ અધિકાર છે. ભારત તેના અનુભવો વિશ્વ સાથે વહેંચવા તૈયાર છે, જેથી લોકશાહી અને સામાજિક ન્યાયનો માર્ગ વધુ મજબૂત બની શકે.

 

(4:11 PM IST)