<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

બલોચ બળવાખોરોનો એવો ફફડાટ કે ISI એ પોતાના જ મુખ્યાલય પાસેના ઘરો વિસ્ફોટકોથી ઉડાવ્યા! પાકિસ્તાની સેનાએ નુશ્કીમાં લાદ્યો રાત્રિ કર્ફ્યુ, ધ્વજ લહેરાવવાની આપી ધમકી

BLA ના 'ઓપરેશન હારોફ' થી પાકિસ્તાની હકુમત હચમચી ઉઠી; આઝાદીના લડવૈયાઓના ડરથી રહેણાંક વિસ્તારો જમીનદોસ્ત કરાયા, ગ્વાદર અને કચ્છમાં પણ સેનાની તોડફોડ

ક્વેટા, તા. ૨૬: પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તાનમાં સ્થિતિ વધુ સ્ફોટક બની રહી છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ભીષણ હુમલાઓથી ગભરાયેલી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને સેનાએ હવે નિર્દોષ નાગરિકો પર પોતાનો રોષ ઉતારવાનું શરૂ કર્યું છે. નુશ્કી જિલ્લાના કાઝિયાબાદ વિસ્તારમાં ISI મુખ્યાલયની આસપાસના અનેક ઘરોને પાકિસ્તાની સેનાએ ડાયનામાઈટ અને ભારે મશીનરીનો ઉપયોગ કરીને તોડી પાડ્યા છે.

સેનાનો આ ફફડાટ એટલો છે કે તેમને ડર હતો કે આ ઈમારતોનો ઉપયોગ બલોચ લડવૈયાઓ ISI હેડક્વાર્ટર પર હુમલો કરવા માટે કરી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, જે ઘરો તોડી પાડવામાં આવ્યા છે તેમાં BLA ના નેતા બશીર ઝેબ બલોચનું પૈતૃક ઘર પણ સામેલ છે. રહેવાસીઓને માત્ર ટૂંકી નોટિસ આપીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા અને જો તેઓ સમયસર બહાર ન નીકળે તો જીવતા સમાધિ લેવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

રાત્રે ૬ વાગ્યાથી સવાર સુધી સખ્ત કર્ફ્યુ

નુશ્કીના રહીશો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. વહીવટીતંત્રે દરરોજ સાંજે ૬ વાગ્યા પછી આખા વિસ્તારમાં કર્ફ્યુ લાદી દીધો છે. એટલું જ નહીં, સુરક્ષા દળોએ સ્થાનિકોને ધમકાવ્યા છે કે જ્યાં સુધી તેઓ પાકિસ્તાનના સમર્થનમાં રેલીઓ નહીં કાઢે અને પોતપોતાના ઘરો પર પાકિસ્તાની ધ્વજ નહીં લહેરાવે, ત્યાં સુધી આ કર્ફ્યુ ચાલુ રહેશે. ગ્વાદર અને કચ્છ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સેનાએ આવી જ બર્બરતા આચરીને અનેક ઈમારતોને જમીનદોસ્ત કરી દીધી છે.

શું હતું 'ઓપરેશન હારોફ'?

૩૧ જાન્યુઆરીના રોજ બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન હારોફ' (Operation Herof) શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન બલોચ લડવૈયાઓએ નુશ્કી શહેરને ચારે બાજુથી ઘેરી લીધું હતું અને અનેક શહેરોમાં એકસાથે હુમલા કરીને મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકોને મોતના ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના બાદ પાકિસ્તાની સેના એટલી ગભરાઈ ગઈ છે કે તેઓ હવે સામાન્ય બલોચ જનતાના ઘરો તોડીને પોતાનો 'વિજય' સાબિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે.

(5:35 PM IST)