<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

મંત્રીજીના ગઢમાં જ 'ભ્રષ્ટાચારનો રોડ' ભેરવાયો: 24 કલાકમાં જ નવા નકોર રસ્તા પર ફર્યું બુલડોઝર : જનતા દંગ!

પીડબ્લ્યુડી મંત્રી રાકેશ સિંહના મતવિસ્તારમાં 8 લાખના ખર્ચે બનેલો 80 મીટરનો રસ્તો અધિકારીઓએ જાતે જ તોડી પાડવો પડ્યો: હલકી ગુણવત્તા અને ટેકનિકલ ખામીઓએ ખોલી સરકારી કામની પોલ

જબલપુર:  મધ્યપ્રદેશના જબલપુરમાં એક એવી ઘટના બની છે જેણે સરકારી તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરવાની સાથે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પીડબ્લ્યુડી મંત્રી રાકેશ સિંહના પોતાના મતવિસ્તાર ગઢાની ગુજરાતી કોલોનીમાં લાખોના ખર્ચે બનેલો સીસી રોડ 24 કલાક પણ ટકી શક્યો નહીં. નવાઈની વાત એ છે કે કોઈ કુદરતી હોનારત નહીં, પરંતુ ખુદ વિભાગના અધિકારીઓએ જ બુલડોઝર મંગાવીને આ રસ્તાના લીરેલીરા ઉડાડી દીધા હતા. વિસ્તારના રહીશો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે રસ્તો બનેલો જોયો અને સાંજ પડતા સુધીમાં તો ત્યાં માત્ર કાટમાળના ઢગલા જોવા મળ્યા, જે સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે.

આ આખી ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. રીવાની 'આરાધી કન્સ્ટ્રક્શન' કંપનીએ આ રસ્તો બનાવતી વખતે ટેકનિકલ નિયમોને નેવે મૂકી દીધા હતા. કોંક્રિટ રોડ બનાવતી વખતે વાઇબ્રેટરનો ઉપયોગ કરવો ફરજિયાત હોય છે જેથી સિમેન્ટ યોગ્ય રીતે સેટ થઈ શકે, પરંતુ અહીં એન્જિનિયરોની ગેરહાજરીમાં ઉતાવળે કામ પૂરું કરી દેવાયું. જ્યારે પીડબ્લ્યુડીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર શિવેન્દ્ર સિંહે તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે રસ્તો સાવ નબળો છે અને ગમે ત્યારે તૂટી શકે તેમ છે. મંત્રીના વિસ્તારમાં બદનામી ન થાય તે બીકે વિભાગે તાત્કાલિક ધોરણે આ 'કાચા પાકા' રસ્તા પર બુલડોઝર ફેરવી દીધું હતું.

હાલમાં તો કોન્ટ્રાક્ટરને 'કારણ બતાવો' નોટિસ ફટકારી દેવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ જબલપુરમાં અગાઉ થયેલા ઓવરબ્રિજ અકસ્માતની યાદ તાજી કરાવી દીધી છે. લોકોમાં ચર્ચા છે કે જો અધિકારીઓએ તપાસ ન કરી હોત, તો જનતાના 8 લાખ રૂપિયા પાણીમાં ગયા હોત. મંત્રીના મતવિસ્તારમાં જ જ્યારે આવી બેદરકારી જોવા મળે, ત્યારે અન્ય વિસ્તારોની હાલત શું હશે તેવો પ્રશ્ન સામાન્ય જનતા પૂછી રહી છે. જોકે, વિભાગે કડક કાર્યવાહીનો દાવો કર્યો છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને માત્ર નોટિસ આપીને છોડી દેવાય છે કે પછી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે.

 

(6:05 PM IST)