હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવાઈ મુસાફરો હવે 'કિંગ': ટિકિટ કેન્સલ કરાવતા જ એરલાઇન્સે ગણતરીના દિવસોમાં નાણાં ચૂકવવા પડશે: DGCA એ લગાવી જોરદાર લગામ
26 માર્ચ, 2026 થી અમલમાં આવનારા નવા નિયમો મુજબ ક્રેડિટ કાર્ડનું રિફંડ 7 દિવસમાં અને રોકડનું તાત્કાલિક મળશે : એજન્ટની ભૂલ હશે તો પણ એરલાઇને જવાબદારી સ્વીકારવી પડશે : મનસ્વી ચાર્જ વસૂલવાનો ખેલ હવે ખતમ

નવી દિલ્હી: હવાઈ મુસાફરી કરનારા લોકો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત મળી છે. વારંવાર ટિકિટ રિફંડમાં થતા વિલંબ અને એરલાઇન્સ કંપનીઓની મનમાનીને રોકવા માટે DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ નવા અને કડક નિયમો જાહેર કર્યા છે. આગામી 26 માર્ચ, 2026 થી અમલી બનનારા આ નિયમો મુજબ, જો તમે ક્રેડિટ કાર્ડથી ટિકિટ બુક કરાવી હશે, તો કેન્સલેશનના માત્ર 7 દિવસમાં તમારા ખાતામાં પૈસા પાછા આવી જશે. સૌથી મહત્વની વાત એ છે કે, હવે એરલાઇન્સ તમારી સંમતિ વગર રિફંડના બદલે 'ક્રેડિટ શેલ' (ભવિષ્યમાં મુસાફરી માટેના પોઈન્ટ્સ) પધરાવી શકશે નહીં. મુસાફરોની મંજૂરી હશે તો જ આ વિકલ્પ આપી શકાશે, અન્યથા રોકડ કે ખાતામાં નાણાં પરત કરવા ફરજિયાત રહેશે.
નવા સુધારા મુજબ, જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે ઓનલાઈન પોર્ટલ દ્વારા બુક કરવામાં આવી હોય અને ત્યાંથી રિફંડમાં કોઈ ગરબડ થાય, તો પણ તેની અંતિમ જવાબદારી એરલાઇનની જ ગણાશે. મુસાફરોને હવે રિફંડ માટે ધક્કા ખાવા પડશે નહીં. આ ઉપરાંત, જો કોઈ મુસાફરની ટિકિટ 'નોન-રિફંડેબલ' કેટેગરીની હોય, તો પણ ટિકિટમાં લેવામાં આવેલા તમામ સરકારી ટેક્સ, યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) અને પેસેન્જર સર્વિસ ફી (PSF) ફરજિયાતપણે પરત આપવા પડશે. DGCA એ સ્પષ્ટ કર્યું છે કે કેન્સલેશન ચાર્જ કોઈ પણ સંજોગોમાં મૂળ ભાડા અને ઈંધણ સરચાર્જની રકમથી વધારે હોઈ શકે નહીં. એટલે કે હવે રિફંડના નામે મુસાફરના ખિસ્સા ખાલી કરવાનો ખેલ બંધ થશે.
ડિજિટલ યુગમાં મુસાફરોને વધુ એક મોટી સુવિધા આપતા DGCA એ 'ફ્રી કેન્સલેશન' વિન્ડો પણ જાહેર કરી છે. ટિકિટ બુક કર્યાના 48 કલાકની અંદર જો કોઈ ફેરફાર કે રદ કરવામાં આવે, તો તેના પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં (જો મુસાફરીની તારીખમાં પૂરતો સમય બાકી હોય તો). એટલું જ નહીં, જો બુકિંગના 24 કલાકમાં નામમાં કોઈ ટાઇપિંગ ભૂલ જણાય, તો એરલાઇન્સે તે મફતમાં સુધારી આપવી પડશે. જો મુસાફર કે તેના પરિવારના સભ્ય બીમાર હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ હોય, તો મેડિકલ સર્ટિફિકેટના આધારે રિફંડ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ નવા નિયમોથી ભારતીય આકાશમાં મુસાફરી કરનારા લાખો લોકોના હિતોનું રક્ષણ થશે અને એરલાઇન્સની કાર્યપ્રણાલીમાં પારદર્શિતા આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
