<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

બાંગ્લાદેશમાં 'મધરાતે' ખેલાયો લોહિયાળ ખેલ: રાષ્ટ્રપતિના સનસનાટીભર્યા ખુલાસાથી યુનુસ અને અમેરિકાના 'સીક્રેટ ડ્રીલ'નો પર્દાફાશ!

શેખ હસીનાના રાજીનામા પર રાષ્ટ્રપતિ શહાબુદ્દીનનો યુ-ટર્ન: મોહમ્મદ યુનુસ પર ગંભીર આરોપો અને જમાત-એ-ઇસ્લામીની અચાનક ઉશ્કેરણીએ પડોશી દેશમાં લોકશાહીના લીરેલીરા ઉડાડ્યા

ઢાકા:  બાંગ્લાદેશમાં શેખ હસીનાના ગયા પછી શાંતિ સ્થપાવાને બદલે સત્તાનો એવો સંઘર્ષ શરૂ થયો છે જેણે સમગ્ર દક્ષિણ એશિયાને ચોંકાવી દીધું છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને એક મોટો ધડાકો કરતા જણાવ્યું છે કે તેમની પાસે શેખ હસીનાના રાજીનામાનો કોઈ લેખિત પુરાવો નથી, જેનો અર્થ એ થાય કે વર્તમાન વચગાળાની સરકાર કાયદેસરતાના જોખમમાં છે. આ ખુલાસા બાદ જમાત-એ-ઇસ્લામીના નેતાઓ ઉકળી ઉઠ્યા છે અને દેશમાં ફરી એકવાર હિંસાનું વાતાવરણ સર્જાયું છે. રાષ્ટ્રપતિએ ગંભીર આરોપ લગાવ્યો છે કે તેમને 18 મહિના સુધી 'વર્ચ્યુઅલ હાઉસ એરેસ્ટ'માં રાખવામાં આવ્યા હતા અને યુનુસ પ્રશાસને તેમને પદભ્રષ્ટ કરવા માટે અનેક ગેરબંધારણીય હથકંડા અપનાવ્યા હતા.

આ વિવાદની પાછળ અમેરિકા સાથેનો એક 'ગુપ્ત વેપાર સોદો' હોવાનું પણ બહાર આવ્યું છે. રાષ્ટ્રપતિના મતે, મોહમ્મદ યુનુસે રાષ્ટ્રના વડાને અંધારામાં રાખીને અમેરિકા સાથે નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ (NDA) હેઠળ રહસ્યમય કરાર કર્યા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ એવી આશંકા સેવાઈ રહી છે કે યુનુસ ખરેખર વિદેશી શક્તિઓની કઠપૂતળી બનીને દેશ ચલાવી રહ્યા છે. આ રહસ્યમય સોદાને છુપાવવા માટે જમાત-એ-ઇસ્લામીના કટ્ટરપંથીઓ હવે યુનુસના ઢાલ તરીકે મેદાનમાં આવ્યા છે. વિદ્યાર્થી નેતાઓનું જમાતમાં જોડાવું અને કેબિનેટમાં કટ્ટરપંથીઓનો દબદબો એ વાતનો પુરાવો છે કે બાંગ્લાદેશમાં પડદા પાછળ કંઈક ખૂબ જ શંકાસ્પદ રંધાઈ રહ્યું છે.

બીજી તરફ, ભારતની ધરતી પરથી શેખ હસીનાએ ફરી એકવાર બાંગ્લાદેશ પાછા ફરવાની અને અન્યાય સામે લડવાની ગર્જના કરી છે. દિલ્હીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ હસીનાના 'કમબેક'ની અટકળોએ યુનુસ સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થતા ક્રૂર હુમલા અને ન્યાયતંત્રની નિષ્ફળતાએ વિશ્વ સ્તરે દેશની છબી ખરડી છે. હવે જોવાનું એ રહેશે કે સૈન્ય અને બીએનપી ના સમર્થન સાથે રાષ્ટ્રપતિ શહાબુદ્દીન આ 'ગુપ્ત સોદા'ના કયા નવા પાસાંઓ જાહેર કરે છે અને બાંગ્લાદેશનું આ રાજકીય નાટક કયા લોહિયાળ વળાંક પર વિરામ લે છે.

 

(6:31 PM IST)