<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

બાળકોના હાથમાંથી છૂટશે સ્માર્ટફોન! મહારાષ્ટ્ર સરકારનો ડિજિટલ વ્યસન સામે જંગ, ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો માટે બનશે 'સ્પેશિયલ ટાસ્ક ફોર્સ'

સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગના માયાવી જાળમાં ફસાયેલા ૩ કરોડ બાળકોને બચાવવા આશિષ શેલારની મોટી જાહેરાત: માનસિક તણાવ અને આત્મહત્યાના વધતા કિસ્સાઓ રોકવા કાયદાકીય કવચ તૈયાર કરાશે

મુંબઈ:  મહારાષ્ટ્રમાં હવે બાળકોના 'સ્ક્રીન ટાઈમ' પર સરકારની બાજ નજર રહેશે. રાજ્ય સરકારે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડિજિટલ વ્યસનમાંથી મુક્ત કરવા માટે એક હાઈ-પ્રોફાઈલ 'ટાસ્ક ફોર્સ'ની રચના કરી છે. આઈટી મંત્રી આશિષ શેલારે વિધાન પરિષદમાં ગંભીરતાપૂર્વક જણાવ્યું કે, રાજ્યના આશરે ૩ કરોડ બાળકો જેઓ ૧૫ વર્ષથી નાની ઉંમરના છે, તેઓ સોશિયલ મીડિયા અને જીવલેણ ઓનલાઈન ગેમ્સના રવાડે ચઢી રહ્યા છે. આ ડિજિટલ ઝેર બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ઉધઈની જેમ કોતરી રહ્યું છે, જેને રોકવા માટે સરકાર હવે આગામી વિધાનસભા સત્ર પહેલા એક વ્યાપક રિપોર્ટ તૈયાર કરી કડક નિયમો લાવવાની તૈયારીમાં છે.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રાજ્યમાં ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયાને કારણે વધતા આત્મહત્યાના બનાવો છે. ધારાસભ્ય નિરંજન દાવખરે અને સંજય કેનેકરે ગૃહનું ધ્યાન દોર્યું હતું કે કઈ રીતે મોબાઈલ ફોનની લત બાળકોને ગુનાખોરી અને ડિપ્રેશન તરફ ધકેલી રહી છે. ટાસ્ક ફોર્સ માત્ર અભ્યાસ જ નહીં કરે, પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ડિજિટલ જાહેરાતો અને હાનિકારક એપ્સ પર કેવી રીતે લગામ કસવી તેની પણ ભલામણ કરશે. મંત્રી શેલારે સ્પષ્ટ કર્યું છે કે વાંધાજનક કન્ટેન્ટ પીરસતી એપ્સ અને નકલી જાહેરાતો બનાવનારાઓ સામે ફોજદારી ગુના દાખલ કરવામાં આવશે, જેથી બાળકોના ભવિષ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાય.

સરકારનું આ પગલું વાલીઓ માટે આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના આઈટી એક્ટ સાથે સંકલન સાધીને મહારાષ્ટ્ર સરકાર એવું માળખું તૈયાર કરશે જે ઓનલાઈન પ્લેટફોર્મ પરની અશ્લીલતા અને છેતરપિંડી પર સીધો પ્રહાર કરશે. ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ રચાયેલી આ ટાસ્ક ફોર્સમાં ટેકનોલોજી નિષ્ણાતો અને મનોચિકિત્સકોનો સમાવેશ કરાયો છે, જેઓ બાળકોની બદલાતી જીવનશૈલીનું મૂલ્યાંકન કરશે. જો આ યોજના સફળ રહેશે, તો મહારાષ્ટ્ર દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે જેણે નવી પેઢીને 'ડિજિટલ ડ્રગ્સ'ના વ્યસનમાંથી બચાવવા માટે આટલું મજબૂત વહીવટી અને કાનૂની પગલું ભર્યું હોય.

 

 

(6:36 PM IST)