હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેંગલુરુમાં 'રીલ' જેવું 'રિયલ' ડ્રામા: કન્નડ ડિરેક્ટરનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક લૂંટ્યો: અભિનેત્રી સહિત 11 શખ્સો જેલના સળિયા પાછળ
બેંગલુરુમાં 'રીલ' જેવું 'રિયલ' ડ્રામા: કન્નડ ડિરેક્ટરનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક લૂંટ્યો: અભિનેત્રી સહિત 11 શખ્સો જેલના સળિયા પાછળ

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં ફિલ્મ જગતનો ગ્લેમર ફેસ ગુનાખોરીના કાળા રસ્તે જોવા મળ્યો છે. કન્નડ ફિલ્મ 'જીવદા ભાષા'ના દિગ્દર્શક અનીશને કાર વેચવાના બહાને જાળમાં ફસાવી, તેમનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ નિર્જન સ્થળે લઈ જઈ લોખંડના સળિયા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરાયો હતો. આ કેસમાં બેંગલુરુ પોલીસે સપાટો બોલાવીને જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા સહિત કુલ 11 લોકોની ધરપકડ કરી છે. આ ઘટનાએ ચંદનવન (કન્નડ ફિલ્મ ઉદ્યોગ) માં ભારે ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આમાં સામેલ મોટાભાગના લોકો પીડિત ડિરેક્ટરના પરિચિતો હોવાનું બહાર આવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર કાવતરા પાછળ આશરે 8-9 લાખ રૂપિયાની નાણાકીય લેતી-દેતી અને જૂની પોલીસ ફરિયાદો પાછી ખેંચવાનું દબાણ મુખ્ય કારણ હતું. મુખ્ય આરોપી આશિરવની આગેવાની હેઠળના ટોળાએ અનીશને શહેરની બહારના એક ફાર્મ હાઉસ જેવા મકાનમાં બંધક બનાવી રાખ્યો હતો. હુમલાખોરોએ માત્ર શારીરિક ઈજાઓ જ ન પહોંચાડી, પરંતુ તેમની પાસેથી સોનાના દાગીના અને રોકડ પણ લૂંટી લીધી હતી. આટલેથી ન અટકતા, આરોપીઓએ બળજબરીથી અનીશનું એટીએમ કાર્ડ અને પિન નંબર પડાવી લીધો હતો અને ટોલ પ્લાઝા નજીક તેને કારમાં ફેંકી દેતા પહેલા ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા હતા.
અદુગોડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે આ ગેંગને દબોચી લીધી છે. પીડિત ડિરેક્ટર હાલ હોસ્પિટલમાં ગંભીર ઈજાઓ સાથે સારવાર હેઠળ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે અભિનેત્રી ઐશ્વર્યાએ અનીશને મુંબઈથી બેંગલુરુ બોલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ લૂંટ પાછળ અન્ય કોઈ મોટા માથાઓનો હાથ છે કે કેમ. આ હાઈ-પ્રોફાઈલ કેસ હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જ્યાં લોકો ફિલ્મ કલાકારોની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
