<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

વિજય-રશ્મિકાના 'શાહી લગ્ન': ઉદયપુરમાં તેલુગુ અને કોડાવ રિવાજો સાથે પ્રભુતામાં ડગ માંડ્યા : 'અંગારોં' ગીત પર રશ્મિકાના ડાન્સે મહેફિલ લૂંટી

વૈભવી માહોલમાં 'ગીતા ગોવિંદમ' જોડીએ સાત ફેરા લીધા; સાસુએ આપેલી સાડીમાં રશ્મિકા લાગી અપ્સરા જેવી : પાલતુ શ્વાન સ્ટોર્મ અને ઓરા માટે કરાયેલું ખાસ ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું

ઉદયપુર: સૌથી મનપસંદ કપલ વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંડન્ના આખરે લગ્નના અતૂટ બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરની વૈભવી ITC મેમેન્ટોસ હોટેલમાં આજે સવારે ૧૦:૧૦ વાગ્યે તેલુગુ પરંપરા મુજબ આ જોડીએ લગ્ન કર્યા હતા. 'ગીતા ગોવિંદમ' ફિલ્મથી શરૂ થયેલી તેમની આ સફર આજે જીવનભરના સાથમાં ફેરવાઈ ગઈ છે. લગ્ન બાદ વિજયના પરિવારે હાજર મહેમાનો અને 'પપ્પાઓ' (સંબંધીઓ) ને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. જોકે આ દંપતીએ હજુ સુધી સોશિયલ મીડિયા પર સત્તાવાર તસવીરો શેર નથી કરી, પરંતુ તેમની એક ઝલક મેળવવા માટે ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

તેલુગુ લગ્ન બાદ હવે રશ્મિકાના વતન કુર્ગના 'કોડાવ' રિવાજો મુજબ બીજા લગ્ન સમારોહની ધૂમ મચી છે. સાંજે ૫ વાગ્યાના શુભ મુહૂર્તે શરૂ થયેલી આ વિધિમાં રશ્મિકાએ તેની સાસુ માધવી દેવેરાકોંડાએ ભેટમાં આપેલી પરંપરાગત સાડી પહેરીને સૌના દિલ જીતી લીધા હતા. સંગીત સેરેમનીમાં રશ્મિકાએ તેની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા-૨ ના લોકપ્રિય ગીત "અંગારોં" પર ડાન્સ કરીને વિજયને સરપ્રાઈઝ આપી હતી. આ ક્ષણ આખા લગ્નનું સૌથી યાદગાર દ્રશ્ય બની ગયું હતું, જ્યાં વરરાજા વિજય પણ પોતે ઝૂમવા માટે મજબૂર થઈ ગયા હતા.

આ લગ્નની બીજી એક ખાસિયત એ હતી કે રશ્મિકા અને વિજયે તેમના વહાલા પાલતુ શ્વાન - સ્ટોર્મ, ચેસ્ટર અને ઓરાને ભૂલ્યા નહોતા. લગ્નના સ્થળે આ પાલતુ પ્રાણીઓ માટે ખાસ કસ્ટમાઇઝ્ડ સજાવટ કરવામાં આવી હતી, જેના ફોટા રશ્મિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 'ડિયર કોમરેડ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરનાર આ જોડીના લગ્ન સાચા અર્થમાં 'ગ્રાન્ડ' રહ્યા છે. પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં સંપન્ન થયેલા આ લગ્ન હવે સોશિયલ મીડિયા પર 'વેડિંગ ઓફ ધ યર' તરીકે હેડલાઇન્સ બનાવી રહ્યા છે.

 

(7:08 PM IST)