હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧ માર્ચથી મેસેજિંગ એપ્સનો 'કાયદો' બદલાશે: સિમ કાર્ડ વગર WhatsApp-Telegram થશે ઠપ્પ : સરકારના 'સિમ-બાઇન્ડિંગ' માસ્ટરસ્ટ્રોકથી હેકર્સની ખેર નથી
કેન્દ્ર સરકારે ૨૮ ફેબ્રુઆરીની ડેડલાઇન લંબાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો: હવે તમારા મોબાઈલમાં સિમ હશે તો જ ચાલશે સોશિયલ મીડિયા એકાઉન્ટ : સાયબર ફ્રોડ રોકવા માટે વેબ લોગિન પણ ૬ કલાકમાં થશે ઓટો-લોગઆઉટ

નવી દિલ્હી: ભારત સરકાર સાયબર અપરાધો અને ઓનલાઇન છેતરપિંડી પર લગામ કસવા માટે એક ક્રાંતિકારી ફેરફાર લાવવા જઈ રહી છે. ૧ માર્ચથી દેશમાં 'સિમ-બાઇન્ડિંગ'નો નવો નિયમ અમલમાં આવશે, જેનો સીધો અર્થ એ છે કે WhatsApp, Telegram, Signal અને Snapchat જેવી લોકપ્રિય એપ્સ હવે સિમ કાર્ડ વગર કામ નહીં કરે. કેન્દ્ર સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે ૨૮ ફેબ્રુઆરીની સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ સુવિધા તમારી મેસેજિંગ એપને તમારા ભૌતિક (Physical) સિમ કાર્ડ સાથે સાંકળી દેશે, જેથી જો કોઈ હેકર તમારા નંબરનો ઉપયોગ બીજા કોઈ ડિવાઈસ પર કરવા માંગે, તો તે કરી શકશે નહીં.
નવા નિયમો મુજબ, જેવી તમે તમારા ફોનમાંથી સિમ કાર્ડ બહાર કાઢશો, કે તરત જ WhatsApp જેવી એપ્સ કામ કરવાનું બંધ કરી દેશે. આ સુરક્ષા કવચ ખાસ કરીને એવા કિસ્સાઓ રોકવા માટે બનાવવામાં આવ્યું છે જેમાં ગુનેગારો ઓટીપી (OTP) ચોરીને કે અન્ય રીતે યુઝર્સના એકાઉન્ટ બીજા ફોનમાં લોગિન કરી લેતા હતા. એટલું જ નહીં, હવે કમ્પ્યુટર કે લેપટોપ પર 'WhatsApp Web' વાપરનારાઓ માટે પણ નિયમ કડક થયો છે. ડેસ્કટોપ પર લોગિન કર્યાના બરાબર ૬ કલાક પછી તે આપમેળે લોગઆઉટ થઈ જશે. આ ફેરફારથી ઓફિસ કે પબ્લિક કમ્પ્યુટર પર લોગિન રહી ગયેલા એકાઉન્ટ્સનો દુરુપયોગ થતો અટકશે.
સરકારના આ આદેશની અસર માત્ર વિદેશી એપ્સ જ નહીં, પરંતુ JioChat, ShareChat, Arattai અને Josh જેવી ભારતીય એપ્સ પર પણ પડશે. ૧ માર્ચથી આ તમામ પ્લેટફોર્મ્સ માટે સિમ બાઇન્ડિંગ ફરજિયાત બનશે. સાયબર એક્સપર્ટ્સ આ નિર્ણયને આવકારી રહ્યા છે કારણ કે તેનાથી નકલી એકાઉન્ટ્સ અને 'બિનવારસી' નંબરો પર ચાલતા સોશિયલ મીડિયા ગ્રુપ્સ પર રોક લાગશે. વપરાશકર્તાઓએ હવે ખાતરી કરવી પડશે કે તેમનો રજિસ્ટર્ડ નંબર ધરાવતું સિમ કાર્ડ હંમેશા તે જ હેન્ડસેટમાં રહે જેમાં તેઓ આ એપ્સ વાપરે છે. આ પગલાથી ડિજિટલ ઇન્ડિયા વધુ સુરક્ષિત બનશે તેવી આશા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
