<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

UN માં ભારતની પાકિસ્તાનને લપડાક: "તમે 'લા લા લેન્ડ' (ભ્રમની દુનિયા) માં જીવો છો..", કાશ્મીર પર પાક.ના જુઠાણાનો આંતરરાષ્ટ્રીય મંચ પર પર્દાફાશ કર્યો

જિનીવામાં UNHRC ના મંચ પર ભારતે 'રાઈટ ઓફ રિપ્લાય' નો ઉપયોગ કરી પાકિસ્તાનને તેની ઓકાત બતાવી; "POK ખાલી કરો અને આતંકવાદ બંધ કરો" – ભારતનો સીધો અને કડક સંદેશ

જિનીવા: સ્વિત્ઝરલેન્ડના જિનીવામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના ૫૫માં સત્રમાં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વિશ્વ આખું જુએ તે રીતે ખુલ્લું પાડ્યું છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર મુદ્દે લગાવવામાં આવેલા પાયાવિહોણા અને મનઘડત આરોપોનો જવાબ આપતા ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાન વાસ્તવિકતાથી દૂર કોઈ કાલ્પનિક 'લા લા લેન્ડ' (ભ્રમની દુનિયા) માં જીવી રહ્યું છે. ભારતે રાઈટ ઓફ રિપ્લાયનો ઉપયોગ કરીને પાકિસ્તાની પ્રચારને સદંતર ફગાવી દીધો છે.
    ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ગર્જના કરતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અને અતૂટ ભાગ છે, હતો અને હંમેશા રહેશે. ૧૯૪૭ના ઈન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ સંપૂર્ણપણે કાયદેસર અને અફર છે. ભારતે પાકિસ્તાનને શિખામણ આપી હતી કે તેઓ આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ પોતાના જૂઠાણા ફેલાવવા માટે કરવાનું બંધ કરે અને તેના બદલે પોતાના દેશમાં માનવાધિકારોની જે દુર્દશા થઈ રહી છે તેના પર ધ્યાન આપે.
      ભારતીય પ્રતિનિધિએ વધુમાં ઉમેર્યું કે, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલા ભારતીય વિસ્તારો (POK) ને તાત્કાલિક ખાલી કરવા જોઈએ અને સરહદ પારથી આતંકવાદ ફેલાવવાની પોતાની જૂની આદત છોડવી જોઈએ. આતંકવાદ દ્વારા આખા પ્રદેશને અસ્થિર કરવાનો પાકિસ્તાનનો કોઈ પણ પ્રયાસ ક્યારેય સફળ થશે નહીં. ભારતની આ આકરી પ્રતિક્રિયાએ પાકિસ્તાની નેતૃત્વને ફરી એકવાર રક્ષણાત્મક મોડમાં લાવી દીધું છે.
     વિશ્વ મંચ પર ભારતની આ મક્કમ રજૂઆતે સાબિત કરી દીધું છે કે નવા ભારતના હિતો સામે અવાજ ઉઠાવનારાઓને હવે સહન કરવામાં આવશે નહીં. જિનીવામાં મળેલી આ સફળતા બાદ સોશિયલ મીડિયા પર પણ ભારતના આ 'જડબાતોડ' જવાબના ભારોભાર વખાણ થઈ રહ્યા છે

(7:19 PM IST)