હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ કેરળ સ્ટોરી 2' પર હાઈકોર્ટની બ્રેક: કાલે રિલીઝ નહીં થાય વિવાદાસ્પદ ફિલ્મ, કેરળ હાઈકોર્ટે સેન્સર બોર્ડને ફટકાર લગાવી 15 દિવસનો સ્ટે આપ્યો!
"કેરળની છબી ખરડાય તેવી શક્યતા" - કોર્ટે સાંપ્રદાયિક સૌહાર્દ જોખમાવાની ભીતિ વ્યક્ત કરી CBFC ના પ્રમાણપત્રને ફગાવ્યું; ફિલ્મ નિર્માતાઓની કાનૂની લડાઈ તેજ

તિરુવનંતપુરમ: બોલિવૂડની વર્ષ ૨૦૨૬ની સૌથી વધુ ચર્ચિત અને વિવાદાસ્પદ ગણાતી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ' ની રિલીઝ પર મોટું સંકટ આવી પડ્યું છે. કેરળ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં આ ફિલ્મની રિલીઝ પર વચગાળાનો સ્ટે લાદી દીધો છે. આનો અર્થ એ થયો કે શુક્રવાર, ૨૭ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ હવે દર્શકો જોઈ શકશે નહીં. ફિલ્મના ટ્રેલર બાદ સર્જાયેલા વિવાદને પગલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે.
જસ્ટિસ બેચુ કુરિયન થોમસે સેન્સર બોર્ડ (CBFC) દ્વારા ફિલ્મને આપવામાં આવેલા U/A પ્રમાણપત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે, "પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે સેન્સર બોર્ડે માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી અને કાયદાની અવગણના કરીને પ્રમાણપત્ર જારી કર્યું છે." કોર્ટે ફિલ્મના નિર્માતાઓને ઝટકો આપતા ૧૫ દિવસનો સ્ટે મૂક્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સેન્સર બોર્ડ નવો આદેશ જારી ન કરે ત્યાં સુધી ફિલ્મ પર રોક રહેશે.
અરજદારોએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ ફિલ્મ કેરળ જેવા ધર્મનિરપેક્ષ રાજ્યનું ખોટું અને ભ્રામક પ્રતિનિધિત્વ કરે છે. તેનાથી રાજ્યમાં વસતા વિવિધ સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાઈ શકે છે અને સાંપ્રદાયિક સૌહાર્દ ખરડાઈ શકે છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે, કેરળ એક એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ સંવાદિતા છે, પરંતુ જો કોઈ ઘટનાને એવી રીતે રજૂ કરવામાં આવે કે જાણે તે સમગ્ર રાજ્યની સ્થિતિ હોય, તો તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
ફિલ્મ નિર્માતાઓ માટે આ એક મોટો આર્થિક અને વ્યાવસાયિક ફટકો માનવામાં આવે છે. હવે સૌની નજર સેન્સર બોર્ડના આગામી નિર્ણય અને હાઈકોર્ટની અંતિમ સમીક્ષા પર ટકેલી છે. શું ફિલ્મમાં કાપ મૂકવામાં આવશે કે પછી તેના પર કાયમી પ્રતિબંધ લાગશે? તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ અત્યારે તો 'ધ કેરળ સ્ટોરી 2' ના વિવાદે આખા દેશમાં ચર્ચા જગાવી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
