<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનની આબરૂના કાંકરા : "લોકશાહીના નામે લૂંટ બંધ કરો": 5 સાંસદોએ ઇમરાન ખાન માટે ઉઠાવ્યો અવાજ

કીર સ્ટારમર સરકાર પર વિપક્ષી સાંસદોના આકરા પ્રહાર: પાકિસ્તાનને અપાતી કરોડોની મદદ રોકવા માંગ : જેલમાં સબડતા ઇમરાન ખાનની તબિયત લથડતા લંડનથી ઇસ્લામાબાદ સુધી હડકંપ

લંડન:  બ્રિટિશ સંસદના હોલ આજે પાકિસ્તાનની રાજકીય અસ્થિરતા અને માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દે ગુંજી ઉઠ્યા હતા. પાંચ શક્તિશાળી બ્રિટિશ સાંસદોએ વડાપ્રધાન કીર સ્ટારમરની સરકારને ભીંસમાં લેતા સવાલ કર્યો હતો કે, જે દેશમાં લોકશાહીનું ગળું ઘાટવામાં આવી રહ્યું છે, તેને બ્રિટન હજુ પણ કરોડો પાઉન્ડની મદદ કેમ કરી રહ્યું છે? ખાસ કરીને જેલમાં બંધ ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાનની કથળતી તબિયત અને તેમને યોગ્ય સારવાર ન મળવા બદલ સાંસદ જેક ગોલ્ડસ્મિથે સરકાર સામે મોરચો માંડ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બ્રિટનમાં ૧૫ લાખ પાકિસ્તાની મૂળના નાગરિકો વસે છે, તેથી પાકિસ્તાનમાં થઈ રહેલા અન્યાય પ્રત્યે આપણે આંખ આડા કાન ન કરી શકીએ.

ચર્ચા દરમિયાન સાંસદ સિક્કા અને હેનોને સરકારની બેવડી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પૂછ્યું કે જો ઈરાન કે ઉત્તર કોરિયામાં દમન થાય તો બ્રિટન તુરંત પ્રતિક્રિયા આપે છે, તો પછી પાકિસ્તાનમાં ઇમરાન ખાનને ચૂંટણી લડતા રોકવા અને તેમને જેલમાં પૂરી રાખવા બાબતે લંડન કેમ મૌન છે? આ દબાણ હેઠળ બ્રિટિશ સરકારે સ્વીકારવું પડ્યું કે તેઓ પાકિસ્તાનને અપાતા ભંડોળમાં કાપ મૂકવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે. નોંધનીય છે કે ૨૦૨૪માં પાકિસ્તાનને ૧૩૩ મિલિયન યુરોની મદદ મળી હતી, જે ૨૦૨૫-૨૬માં ઘટાડીને ૧૦૩ મિલિયન યુરો કરી દેવામાં આવી છે, અને હવે તેમાં વધુ ૪૦ ટકા સુધીનો મોટો કાપ મૂકવાની તૈયારી છે.

ઇમરાન ખાનના સમર્થકો માટે આ ચર્ચા એક મોટી નૈતિક જીત સમાન છે, કારણ કે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની લશ્કરી સમર્થિત સરકારની પોલ ખુલી ગઈ છે. બ્રિટિશ સાંસદોએ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન ઇમરાન ખાનને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ નહીં કરે અને લોકશાહીના મૂલ્યોનું પાલન નહીં કરે, તો બ્રિટન આર્થિક મદદ સંપૂર્ણપણે બંધ કરી શકે છે. પાકિસ્તાન અત્યારે પહેલેથી જ આર્થિક કટોકટીમાં છે, ત્યારે લંડનથી મળેલો આ આંચકો શહબાઝ શરીફ સરકાર માટે 'દુકાળમાં અધિક માસ' જેવો સાબિત થઈ શકે છે.

 

(7:39 PM IST)