<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

શિક્ષણ જગતમાં ખળભળાટ: NCERT ના પુસ્તકમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' ના પાઠથી સુપ્રીમ કોર્ટ લાલઘૂમ; શિક્ષણ મંત્રીએ માંગી માફી, જવાબદારો સામે થશે કડક કાર્યવાહી!

ધોરણ 8 ના પાઠ્યપુસ્તક પર સર્વોચ્ચ અદાલતે લાદ્યો સંપૂર્ણ પ્રતિબંધ, નકલો જપ્ત કરવા આદેશ; "અમે ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ" – વિવાદ બાદ શિક્ષણ મંત્રીનું પ્રથમ નિવેદન

નવી દિલ્હી: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા તૈયાર કરવામાં આવેલા ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકે દેશમાં એક મોટો કાનૂની અને રાજકીય વિવાદ છેડ્યો છે. આ પુસ્તકમાં "ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર", પેન્ડિંગ કેસોનો ભરાવો અને ન્યાયાધીશોની અછત જેવા સંવેદનશીલ મુદ્દાઓને જે રીતે રજૂ કરવામાં આવ્યા હતા, તેની સામે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વાંધો ઉઠાવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે આ પ્રકરણને "વાંધાજનક" ગણાવતા કહ્યું કે, આવા પાઠો વિદ્યાર્થીઓના માનસ પર ન્યાયતંત્રની નકારાત્મક છબી ઉભી કરે છે અને તે સંસ્થાની ગરિમાને કલંકિત કરવાનું કામ કરે છે. કોર્ટના આકરા વલણ બાદ, સુપ્રીમ કોર્ટે આ પાઠ્યપુસ્તક પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે, બધી જ ભૌતિક નકલો જપ્ત કરવા અને ઓનલાઈન પોર્ટલ પરથી ડિજિટલ એડિશન દૂર કરવાનો આદેશ આપ્યો છે.
આ વિવાદ પર પહેલીવાર મૌન તોડતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, "આ ઘટનાથી હું વ્યક્તિગત રીતે ખૂબ જ દુઃખી છું. સરકાર અને મંત્રાલયને ન્યાયતંત્ર પ્રત્યે સર્વોચ્ચ આદર છે અને અમારો ઈરાદો ક્યારેય પણ કોઈ સંસ્થાનું અપમાન કરવાનો નહોતો." તેમણે ખાતરી આપી છે કે આ વિવાદાસ્પદ સામગ્રી તૈયાર કરનારા લેખકો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને ભવિષ્યમાં શિક્ષણ મંત્રાલયના કોઈપણ કાર્યમાં સામેલ કરવામાં આવશે નહીં.
NCERT એ પણ આ મામલે લેખિતમાં માફી માંગી છે અને સ્વીકાર્યું છે કે સામગ્રી ઉમેરવામાં "ખોટો નિર્ણય" લેવાયો હતો. સુપ્રીમ કોર્ટે NCERT ના ડિરેક્ટર અને શિક્ષણ સચિવને કારણ બતાવો નોટિસ પણ ફટકારી છે. શિક્ષણ મંત્રીના નિવેદન બાદ હવે સરકાર કોર્ટના આદેશોનું પાલન કરીને આ વિવાદને થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ પાઠ્યપુસ્તકોની સમીક્ષા પ્રક્રિયા પર પણ અનેક સવાલો ઉભા કર્યા છે.

(7:43 PM IST)