હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પત્રકારત્વના ઇતિહાસનું 'બ્લેક યર': ૨૦૨૫માં વિશ્વભરમાં ૧૨૯ પત્રકારોની હત્યા, ઇઝરાયલે એકલા હાથે ૮૬ મીડિયાકર્મીઓનો ભોગ લીધો!
CPJ ના ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો - ૩ દાયકામાં સૌથી વધુ પત્રકારો માર્યા ગયા; ભારત પણ બાકાત નથી, છત્તીસગઢના પત્રકારની ક્રૂર હત્યાનો ઉલ્લેખ

નવી દિલ્હી: વિશ્વભરમાં સત્યને ઉજાગર કરતા પત્રકારો માટે પાછલું વર્ષ અત્યંત ભયાનક સાબિત થયું છે. 'કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ' (CPJ) ના તાજેતરના અહેવાલ મુજબ, ૨૦૨૫નું વર્ષ છેલ્લા ત્રણ દાયકાનું સૌથી લોહિયાળ વર્ષ રહ્યું છે, જેમાં કુલ ૧૨૯ પત્રકારોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડો ૧૯૯૨ પછીનો સૌથી ઊંચો આંકડો છે, જે પત્રકારત્વના જોખમી બનતા જતા રસ્તાને રજૂ કરે છે.
અહેવાલના સૌથી હચમચાવનારા આંકડા ઇઝરાયલ તરફથી આવ્યા છે. કુલ ૧૨૯ મૃત્યુમાંથી ૮૬ પત્રકારો ઇઝરાયલી હુમલાનો શિકાર બન્યા છે. તેમાંથી ૬૦ ટકાથી વધુ પેલેસ્ટિનિયન પત્રકારો હતા જેઓ ગાઝાના ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા. CPJ એ નોંધ્યું છે કે ઇતિહાસમાં પ્રથમવાર કોઈ એક સરકારે આટલી મોટી સંખ્યામાં પત્રકારોને નિશાન બનાવ્યા છે. યમનમાં પણ ઇઝરાયલી હવાઈ હુમલાઓએ ૩૧ પત્રકારોનો ભોગ લીધો છે.
માત્ર યુદ્ધગ્રસ્ત વિસ્તારો જ નહીં, પરંતુ રાજકીય અસ્થિરતા અને ભ્રષ્ટાચાર ધરાવતા દેશોમાં પણ પત્રકારો સલામત નથી. સુદાનના ગૃહયુદ્ધમાં ૯, મેક્સિકોના ડ્રગ કાર્ટેલ વિવાદમાં ૬ અને યુક્રેન-રશિયા યુદ્ધમાં ૪ પત્રકારો માર્યા ગયા છે.
ભારત સંદર્ભે રિપોર્ટમાં છત્તીસગઢના સ્વતંત્ર પત્રકાર મુકેશ ચંદ્રકરની હૃદયદ્રાવક હત્યાનો ઉલ્લેખ કરાયો છે. રોડ પ્રોજેક્ટમાં હજારો કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારા ચંદ્રકરનો વિકૃત મૃતદેહ સેપ્ટિક ટાંકીમાંથી મળી આવ્યો હતો. CPJ ના મતે, જ્યાં કાયદાનું શાસન નબળું હોય અને ગુનાહિત ગેંગને રાજકીય આશ્રય મળતો હોય, ત્યાં પત્રકારોના જીવ હંમેશા જોખમમાં રહે છે.
આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ આંકડા એક લાલબત્તી સમાન છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સત્ય પહોંચાડતા મીડિયાકર્મીઓની સુરક્ષા અત્યારે વિશ્વસ્તરે સૌથી મોટો પડકાર બની ગઈ છે. જો પત્રકારો જ સુરક્ષિત નહીં હોય, તો લોકશાહીના ચોથા સ્તંભનું શું થશે તે એક ગંભીર પ્રશ્ન છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
