News of Thursday, 26th February 2026
સ્વીડનમાં વિદેશી ગુનેગારોનું હવે આવી બન્યું! ગુનો કર્યો તો સીધા દેશનિકાલ: દર વર્ષે 3,000 ઇમિગ્રન્ટ્સને બહાર ફેંકવાનો સરકારનો માસ્ટર પ્લાન
નવા કાયદાથી દેશનિકાલની સંખ્યામાં 6 ગણો વધારો થશે; ગેંગ વોર અને બોમ્બ વિસ્ફોટો રોકવા વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનનો મોટો સપાટો - 1 સપ્ટેમ્બરથી લાગુ થશે કડક નિયમો

સ્ટોકહોમ: યુરોપના શાંત ગણાતા દેશ સ્વીડનમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ગેંગ હિંસા અને બોમ્બ વિસ્ફોટોને રોકવા માટે સરકાર હવે આરપારના મૂડમાં આવી ગઈ છે. સ્વીડન સરકારે બુધવારે એક ક્રાંતિકારી બિલ રજૂ કર્યું છે, જે મુજબ હવે સ્વીડનમાં રહીને ગુનો કરનાર કોઈપણ વિદેશી નાગરિકને દયા વગર દેશનિકાલ (Deportation) કરવામાં આવશે. નવા નિયમો મુજબ, જે ગુનામાં માત્ર દંડ કરતાં વધુ સજાની જોગવાઈ હશે, તેવા તમામ કિસ્સામાં ગુનેગારને સ્વીડન છોડવું પડશે.
સરેરાશ કરતા 6 ગણી ઝડપે થશે દેશનિકાલ
સ્વીડનના સ્થળાંતર પ્રધાન જોહાન ફોર્સેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "ઘણા લાંબા સમયથી સ્વીડનમાં ગંભીર ગુનાઓ કરનારા વિદેશીઓને આશરો આપવામાં આવતો હતો, પણ હવે તે ચલાવી લેવામાં આવશે નહીં." અત્યારે સ્વીડનમાં વર્ષે સરેરાશ ૫૦૦ લોકોનો દેશનિકાલ થાય છે, પરંતુ આ નવો કાયદો અમલમાં આવ્યા બાદ આ સંખ્યા વધીને વાર્ષિક ૩,૦૦૦ સુધી પહોંચી શકે છે. એટલે કે, દેશનિકાલની પ્રક્રિયામાં ૬૦૦% નો તોતિંગ વધારો જોવા મળશે.
શા માટે લેવાયો આ કડક નિર્ણય?
સ્વીડન છેલ્લા એક દાયકાથી સંગઠિત ગુનાખોરી અને ડ્રગ માર્કેટ પર કબજો જમાવવા માટે થતા ગેંગ વોરથી પરેશાન છે. ભલે ગોળીબારની ઘટનાઓ ઘટી હોય, પરંતુ તાજેતરમાં બોમ્બ વિસ્ફોટોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનની જમણેરી સરકારે ૨૦૨૨ માં સત્તામાં આવતા પહેલા જ ઇમિગ્રેશન અને ગુનાખોરી પર કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. આ બિલ તે દિશામાં એક મોટું કદમ છે.
નવા કાયદામાં એવી પણ જોગવાઈ છે કે હવે ગુનેગારને દેશનિકાલ કરવો કે નહીં તે ફરિયાદીની મરજી પર નહીં રહે, પરંતુ ફરિયાદીઓએ સજાના ભાગ રૂપે દેશનિકાલની વિનંતી કરવી ફરજિયાત રહેશે. સરકાર આ કાયદો ૧ સપ્ટેમ્બર થી અમલમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત, ગુનાહિત જવાબદારીની ઉંમર પણ ૧૫ થી ઘટાડીને ૧૩ કરવાની યોજના છે જેથી કિશોર ગુનેગારો પર પણ લગામ લગાવી શકાય.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
