<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

બ્રિટન જવું હવે 'લોઢાના ચણા' ચાવવા જેવું! વર્ક વિઝામાં ૧૯% નો તોતિંગ ઘટાડો; હેલ્થ અને કેર સેક્ટરમાં વિદેશીઓ માટે દરવાજા લગભગ બંધ!

વડાપ્રધાન કીર સ્ટારમરનું ઈમિગ્રેશન પર 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવું વલણ; ૨૦૨૫ માં માત્ર ૧.૬૮ લાખ વર્ક વિઝા અપાયા, ૨૦૨૩ ની સરખામણીએ સંખ્યા અડધી થઈ ગઈ - ગેરકાયદેસર આવનારાઓને હાંકી કાઢવાની પ્રક્રિયામાં ૨૧% નો વધારો

લંડન : બ્રિટનમાં સ્થાયી થવાનું સપનું જોતા લાખો ભારતીયો અને અન્ય વિદેશી નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા મુજબ, ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં જારી કરવામાં આવેલા વર્ક વિઝાની સંખ્યામાં ૧૯% નો મોટો ઘટાડો નોંધાયો છે. લેબર પાર્ટીની સરકાર પર વધી રહેલા રાજકીય દબાણ અને કડક ઇમિગ્રેશન નિયમોને કારણે હવે 'યુકે ડ્રીમ' મોંઘું સાબિત થઈ રહ્યું છે.

કયા સેક્ટરમાં સૌથી વધુ ફટકો પડ્યો?

સૌથી ચોંકાવનારો ઘટાડો હેલ્થ અને સોશિયલ કેર સેક્ટરમાં જોવા મળ્યો છે, જ્યાં વિઝા મેળવનારાઓની સંખ્યામાં ૫૦% થી વધુનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, અન્ય કુશળ કામદારો (Skilled Workers) ના વિઝામાં પણ ૩૬% નો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૩ માં જે આંકડો ખૂબ ઊંચો હતો, તે ૨૦૨૫ માં ઘટીને માત્ર ૧,૬૮,૦૦૦ પર આવી ગયો છે. આ ઘટાડો દર્શાવે છે કે બ્રિટન હવે માત્ર અતિ-આવશ્યક ટેલેન્ટને જ આવકારવાની નીતિ અપનાવી રહ્યું છે.

ગેરકાયદેસર પ્રવાસીઓ સામે લાલ આંખ

એકબાજુ કાયદેસરના વિઝામાં ઘટાડો થયો છે, તો બીજી બાજુ નાની હોડીઓ દ્વારા ગેરકાયદેસર રીતે બ્રિટનમાં ઘૂસણખોરી કરનારાઓની સંખ્યામાં ૭% નો વધારો થયો છે. ૨૦૨૫ માં અંદાજે ૪૬,૪૯૭ લોકો ગેરકાયદેસર માર્ગે યુકે પહોંચ્યા હતા. આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે દેશનિકાલ (Deportation) ની પ્રક્રિયા તેજ બનાવી છે. આંકડા કહે છે કે બળજબરીથી દેશની બહાર કાઢવામાં આવેલા લોકોની સંખ્યામાં ૨૧% નો વધારો થયો છે, જે લગભગ ૯,૯૦૦ જેટલી થાય છે.

રાજકીય દબાણ અને સ્ટારમરની વ્યૂહરચના

વડાપ્રધાન કીર સ્ટારમર અત્યારે બેવડા દબાણ હેઠળ છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ સ્થળાંતર રોકવા માટે આક્રમક છે, તો બીજી તરફ જનતામાં પણ ઇમિગ્રેશન મુદ્દે ભારે રોષ છે. આથી, સરકાર વિઝાના નિયમો વધુ કઠોર બનાવી રહી છે જેથી 'નેટ માઈગ્રેશન' માં મોટો ઘટાડો લાવી શકાય. આગામી સમયમાં સ્ટુડન્ટ વિઝા અને ફેમિલી વિઝા પર પણ આની માઠી અસર પડી શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે.

(8:53 PM IST)