હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોશિયલ મીડિયાની 'મનસ્વીતા'નો આવશે અંત: અશ્વિની વૈષ્ણવે ગુગલ-મેટાને લાલ આંખ કરી : હવે સર્જકોને મળશે કમાણીનો મોટો હિસ્સો!
રેવન્યુ શેરિંગ મોડેલ બદલવા આઈટી મંત્રીનું અલ્ટીમેટમ : જો પ્લેટફોર્મ્સ જાતે નહીં સુધરે તો સરકાર લાવશે નવો કાયદો: વિલેજ બ્લોગર્સથી લઈને ન્યૂઝ પબ્લિશર્સ સુધી તમામને મહેનતાણું અપાવવા મોદી સરકારની મોટી હિલચાલ

નવી દિલ્હી: ડિજિટલ દુનિયામાં અત્યારે એક મોટા ધરખમ ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ જેવા સોશિયલ મીડિયા જાયન્ટ્સને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ કન્ટેન્ટ સર્જકોની મહેનત પર એકહથ્થુ શાસન ચલાવી શકશે નહીં. DNPA કોન્ક્લેવમાં બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ્સ જે અઢળક કમાણી કરે છે, તેમાં એવા સર્જકોનો પણ હિસ્સો હોવો જોઈએ જેઓ કન્ટેન્ટ બનાવે છે. ભલે તે મોટું મીડિયા હાઉસ હોય કે પછી કોઈ દૂરના ગામડામાં બેસીને વિડિયો બનાવતો યુવાન, દરેકને તેમની ક્રિએટિવિટીનું યોગ્ય વળતર મળવું જ જોઈએ. જો કંપનીઓ સ્વેચ્છાએ આ ફેરફાર નહીં કરે, તો ભારત સરકાર કાયદાકીય શસ્ત્ર ઉગામતા પણ અચકાશે નહીં.
આ પગલું ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશોની તર્જ પર લેવામાં આવી રહ્યું છે, જ્યાં પ્લેટફોર્મ્સે ન્યૂઝ અને કન્ટેન્ટ માટે પબ્લિશર્સને નાણાં ચૂકવવા પડે છે. અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક કહ્યું કે, ડિજિટલ પ્લેટફોર્મ્સનું રેવન્યુ મોડેલ અત્યારે એકતરફી છે, જેમાં સુધારો કરવો અનિવાર્ય છે. સરકારના આ કડક વલણથી દેશના લાખો મૂળ સામગ્રી નિર્માતાઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. અત્યાર સુધી જે કમાણીનો મોટો હિસ્સો વિદેશી કંપનીઓના ખિસ્સામાં જતો હતો, તે હવે સીધો જ ભારતીય સર્જકો સુધી પહોંચશે, જેનાથી ડિજિટલ અર્થતંત્રને નવો વેગ મળશે.
માત્ર કમાણી જ નહીં, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમો પર પણ મંત્રીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે 'ડીપફેક' અને સંમતિ વગર એઆઈ દ્વારા અવાજ કે ચહેરો વાપરવાની પ્રથાને રોકવા પર ભાર મૂક્યો હતો. અશ્વિની વૈષ્ણવે પ્લેટફોર્મ્સને માનવ સમાજની નૈતિક જરૂરિયાતોને સમજવા અને ટેકનોલોજીનો દુરુપયોગ અટકાવવા વિનંતી કરી છે. સરકારનું વિઝન સ્પષ્ટ છે: ઇન્ટરનેટ સુરક્ષિત હોવું જોઈએ અને સર્જકો માટે નફાકારક પણ. આગામી દિવસોમાં જો નવો કાયદો આવશે, તો ગુગલ અને મેટા જેવી કંપનીઓ માટે ભારતના નિયમો મુજબ ચાલવું ફરજિયાત બની જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
