<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ટ્રેન મુસાફરીમાં હવે સ્વાદની મજા :હોળી નિમિત્તે IRCTC અને Swiggy ની મોટી ભેટ : દેશના 152 સ્ટેશનો પર ગરમાગરમ મનપસંદ ખાણું સીધું તમારી સીટ પર!

એક જ વર્ષમાં ફૂડ-ઓન-ટ્રેન સેવામાં 117% નો બમ્પર ઉછાળો; ઇટારસીથી લઈને ખડગપુર સુધીના જંક્શનો પર હવે રેલવેના જમવાના બદલે ઓર્ડર કરી શકાશે તમારી ફેવરિટ રેસ્ટોરન્ટની વાનગીઓ

નવી દિલ્હી:આગામી હોળીના તહેવાર પર ઘરે જઈ રહેલા કરોડો રેલવે મુસાફરો માટે એક ખુશખબર છે. હવે ટ્રેનની મુસાફરી દરમિયાન તમારે જમવાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે IRCTC અને ફૂડ ડિલિવરી દિગ્ગજ Swiggy એ પોતાની ભાગીદારીનો વ્યાપ વધારી દીધો છે. 'ફૂડ ઓન ટ્રેન' સેવા હવે દેશના ૭૦ સ્ટેશનોથી વધીને રેકોર્ડબ્રેક ૧૫૨ સ્ટેશનો સુધી પહોંચી ગઈ છે. એટલે કે, હવે મુસાફરો પોતાની લોન્ગ ડિસ્ટન્સ ટ્રેનમાં બેઠા-બેઠા જ સ્વિગી દ્વારા પોતાની મનપસંદ હોટેલનું ખાણું મંગાવી શકશે.
  મુસાફરોએ માત્ર IRCTC ની ઈ-કેટરિંગ એપ અથવા સ્વિગીની એપ પર જઈને પોતાનો PNR નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમારી ટ્રેન જે સ્ટેશને પહોંચવાની હશે ત્યાંની પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સના મેનૂ તમારી સામે આવી જશે. ઓર્ડર આપ્યા બાદ ગણતરીની મિનિટોમાં ડિલિવરી બોય ગરમાગરમ જમણું સીધું તમારી બર્થ (સીટ) પર પહોંચાડી દેશે. સ્વિગીએ જણાવ્યું છે કે, આ સેવામાં એક વર્ષમાં ૧૧૭% નો તોતિંગ વધારો થયો છે, જે દર્શાવે છે કે મુસાફરો હવે રેલવેના પરંપરાગત જમવાને બદલે બહારની વેરાયટી વધુ પસંદ કરી રહ્યા છે.
 સ્વિગીએ માત્ર મેટ્રો શહેરો જ નહીં, પરંતુ મધ્યપ્રદેશના ઇટારસી, પશ્ચિમ બંગાળના ખડગપુર અને તમિલનાડુના તિરુનેલવેલી જેવા મહત્વના પ્રાદેશિક જંક્શનો પર પણ આ સુવિધા શરૂ કરી છે. હોળીના વેકેશનમાં જ્યારે ટ્રેનોમાં ભારે ભીડ હોય છે, ત્યારે મુસાફરોને સ્ટેશન પર ઉતરીને જમવાની શોધમાં દોડધામ ન કરવી પડે તે માટે આ માસ્ટરપ્લાન તૈયાર કરાયો છે. આ વિસ્તરણથી પ્રાદેશિક વાનગીઓની માંગ પણ વધી રહી છે, જેનાથી સ્થાનિક રેસ્ટોરન્ટ્સને પણ મોટો ફાયદો થઈ રહ્યો છે.
હવે તમારી આગામી ટ્રેન મુસાફરી માત્ર લાંબી સફર નહીં, પણ એક 'ફૂડ ટૂર' જેવી બની રહેશે. તો તૈયાર થઈ જાઓ, હોળીની સફર હવે વધુ રંગીન અને સ્વાદિષ્ટ બનવા જઈ રહી છે!

(9:21 PM IST)