હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓઇલ માર્કેટમાં ચીનની 'સાયલન્ટ ગેમ': ક્રૂડના ભાવ સાથે ચીન કરી રહ્યું છે ખતરનાક રમત, શું ભારત માટે મોંઘવારીનો નવો ખતરો મંડાશે?
વિશ્વના સૌથી મોટા આયાતકાર તરીકે ચીને કિંમતો પર મેળવ્યું 'રિમોટ કંટ્રોલ'; સસ્તું હોય ત્યારે સ્ટોક ભરે અને મોંઘું થાય ત્યારે આયાત ઘટાડે - ડ્રેગનની આ ચાલથી તેલ ઉત્પાદક દેશો પણ લાચાર!

નવી દિલ્હી:વૈશ્વિક તેલ બજારમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે.એકતરફ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચવાની દહેશત છે, તો બીજી તરફ પડદા પાછળ ચીન એક એવી રમત રમી રહ્યું છે જેની સીધી અસર ભારતના ખિસ્સા પર પડી શકે છે. રોઇટર્સના તાજેતરના અહેવાલ મુજબ, ચીન હવે ક્રૂડ ઓઇલના ભાવ માટે 'ફ્લોર' (નીચલી સપાટી) અને 'સીલિંગ' (ઉપલી સપાટી) પોતે જ નક્કી કરી રહ્યું હોય તેવું જણાય છે.
ચીન વિશ્વમાં કાચા તેલનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટે છે, ત્યારે ચીન શાંતિથી પોતાનો વ્યૂહાત્મક ભંડાર ભરવાનું શરૂ કરી દે છે. આ મોટી ખરીદીને કારણે માંગ વધે છે અને ભાવ એક ચોક્કસ સ્તરથી નીચે જતા અટકી જાય છે. તેનાથી ઉલટું, જ્યારે ભાવ વધે છે, ત્યારે ચીન પોતાની આયાત ઘટાડી દે છે, જેથી બજારમાં માંગ ઓછી થાય અને ભાવ પર લગામ આવે. આમ, ચીન પરોક્ષ રીતે આખા વિશ્વના તેલના ભાવને પ્રભાવિત કરી રહ્યું છે.
ભારત પોતાની તેલની જરૂરિયાતનો ૮૦% થી વધુ હિસ્સો આયાત કરે છે. ચીન જે રીતે બજારમાં 'લાસ્ટ રિસોર્ટ બાયર' (અંતિમ ખરીદદાર) બની રહ્યું છે, તે ભારત માટે બેધારી તલવાર સમાન છે. એકતરફ ચીનની આ ચાલથી તેલ ઉત્પાદક દેશો ડિસ્કાઉન્ટ આપવા મજબૂર બને છે, જેનો ફાયદો ભારત ઉઠાવી શકે છે. પરંતુ બીજી તરફ, જો ચીન પોતાની મરજી મુજબ ભાવને વધતા-ઘટતા અટકાવે, તો ભારત જેવા દેશો માટે બજારની અનિશ્ચિતતા વધી જાય છે. ચીને હાલમાં બ્રેન્ટ ઓઇલની ખરીદી ઘટાડીને રશિયન 'યુરલ્સ' અને ગલ્ફ દેશો પાસેથી ભારે ડિસ્કાઉન્ટમાં તેલ ખરીદવાનું શરૂ કર્યું છે.
નિષ્ણાતોના મતે, ચીનનો આ વધતો પ્રભાવ OPEC દેશોની વ્યૂહરચનાને પણ નિષ્ફળ બનાવી શકે છે. ભારત માટે અત્યારે સૌથી મોટો પડકાર એ છે કે ચીન અને અમેરિકાની આ રમત વચ્ચે પોતાના અર્થતંત્રને મોંઘા તેલના મારથી કેવી રીતે બચાવવું. જો તેલના ભાવમાં ચીનનો આ દબદબો ચાલુ રહ્યો, તો આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવામાં ઓપેક (OPEC) કરતા ચીનનો પક્ષ વધુ મજબૂત હોઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
