હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"આ ભારત છે, ઉત્તર કોરિયા નથી": રાહુલ ગાંધીનો પીએમ મોદી પર સીધો પ્રહાર; શાંતિપૂર્ણ વિરોધને 'ગુનો' ગણાવતી સરકાર પર વરસ્યા વિપક્ષી નેતા
યુથ કોંગ્રેસના કાર્યકરો પરની પોલીસ કાર્યવાહીથી રાજકારણ ગરમાયું; "જ્યારે પ્રશ્ન પૂછવો કાવતરું બની જાય, ત્યારે લોકશાહીનું મૃત્યુ નિશ્ચિત છે" - રાહુલ ગાંધીનો આકરો મિજાજ

નવી દિલ્હી:દેશની રાજધાનીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો પર થયેલી પોલીસ કાર્યવાહી બાદ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અત્યાર સુધીનો સૌથી આકરો હુમલો કર્યો છે. પીએમ મોદી સરકારની તુલના ઉત્તર કોરિયાના સરમુખત્યારશાહી શાસન સાથે કરતા રાહુલે કહ્યું કે, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશને ધીમે ધીમે એવી દિશામાં ધકેલવામાં આવી રહ્યો છે જ્યાં શાંતિપૂર્ણ વિરોધ કરવો એ સૌથી મોટો ગુનો બની ગયો છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક લાંબી પોસ્ટ લખીને સત્તાધારી પક્ષ પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું, "આ ઉત્તર કોરિયા નથી, આ ભારત છે. શાંતિપૂર્ણ વિરોધ એ લોકશાહીનો આત્મા છે, ગુનો નથી. આજે ભારતમાં 'સમાધાન કરાયેલા વડા પ્રધાન'ના શાસન હેઠળ અસંમતિને રાજદ્રોહ અને પ્રશ્નો પૂછવાને કાવતરું ગણવામાં આવે છે." રાહુલે આરોપ લગાવ્યો કે જ્યારે સત્તામાં બેઠેલા લોકો પોતાને જ રાષ્ટ્ર માનવા લાગે અને વિરોધ કરનારાઓને દુશ્મન, ત્યારે સમજી લેવું કે લોકશાહી ખતરામાં છે.
પોતાના સંબોધનમાં રાહુલે ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પેપર લીકથી પરેશાન યુવાનો જ્યારે રસ્તા પર ઉતર્યા ત્યારે તેમને લાકડીઓ મળી. મહિલા પહેલવાનોએ જ્યારે ન્યાય માંગ્યો ત્યારે તેમને રસ્તાઓ પર ઘસડવામાં આવ્યા. ખેડૂતોને "આતંકવાદી" ગણાવવામાં આવ્યા અને આદિવાસીઓના અધિકારોની માંગ પર શંકા કરવામાં આવી. રાહુલે પ્રશ્ન કર્યો કે, "આ કેવા પ્રકારની લોકશાહી છે જ્યાં આંસુ ગેસ, પાણીની તોપ અને રબરની ગોળીઓ એ સરકાર માટે વાટાઘાટોનું માધ્યમ બની ગયા છે?"
આ સમગ્ર વિવાદ દિલ્હીમાં આયોજિત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનથી શરૂ થયો હતો. શર્ટલેસ વિરોધ પ્રદર્શન બાદ પોલીસે આકરી કાર્યવાહી કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં દિલ્હી પોલીસની એક ટીમ શિમલા જઈને ૩ કાર્યકરોની ધરપકડ કરી આવી છે. આ ધરપકડોને રાહુલે લોકશાહી પરનો હુમલો ગણાવ્યો છે.
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે. વિપક્ષી નેતાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સરકારની આ 'સરમુખત્યારશાહી' સામે અવાજ ઉઠાવતા રહેશે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ રાજકીય લડાઈ કયું નવું સ્વરૂપ લે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
