હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મંદિર ઉત્સવમાં કાળ બનીને ત્રાટક્યો ગજરાજ! બેકાબૂ હાથીએ ૨૬ વર્ષીય યુવાનને સૂંઢમાં ઉઠાવી હવામાં ફંગોળ્યો, ભક્તિના માહોલમાં મચી ગઈ ભયાનક નાસભાગ
ત્રિશૂરના અન્નમાનદ મહાદેવ મંદિરમાં વાલિયાવિલાક્કુ ઉત્સવ લોહીલુહાણ; શોભાયાત્રા શરૂ થાય તે પહેલા જ હાથી ગાંડોતૂર બનતા શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા - ઘાયલ યુવાનની હાલત અત્યંત ગંભીર

ત્રિશૂર:કેરળના પ્રખ્યાત મંદિર ઉત્સવો હંમેશા તેની ભવ્યતા અને શણગારેલા હાથીઓ માટે જાણીતા છે, પરંતુ ત્રિશૂર જિલ્લાના અન્નમાનદ મહાદેવ મંદિરમાં આજે આ ભવ્યતા ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. વાલિયાવિલાક્કુ ઉત્સવની ઉજવણી દરમિયાન એક પાળેલું હાથી અચાનક બેકાબૂ થઈ જતાં ઉત્સવમાં લોહીના ટાંટિયા પડ્યા હતા. હજારો ભક્તોની હાજરીમાં આ ગજરાજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હર્ષોલ્લાસનો માહોલ સેકન્ડોમાં ચીસો અને રુદનમાં ફેરવાઈ ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શિવાલી શોભાયાત્રા અને પંચરીમેલ્લમ વાદન શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે એકાએક હાથી વિફર્યો હતો. હાથીએ ત્યાં હાજર ૨૬ વર્ષીય વિવેક નામના યુવાન પર હુમલો કર્યો અને તેને પોતાની સૂંઢ વડે હવામાં ઊંચકીને જોરથી જમીન પર પછાડ્યો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને જીવ બચાવવા માટે ચારેબાજુ નાસભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે મંદિર સંકુલમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ગંભીર રીતે ઘાયલ થયેલા વિવેકને તાત્કાલિક અંગમાલીની એપોલો એડલ્ટેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, યુવાનને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી છે અને તેની હાલત અત્યંત નાજુક છે. આ ઘટના બાદ મંદિર વહીવટીતંત્રે તમામ ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દીધા છે.
ઘટનાની જાણ થતા જ માલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. વન વિભાગની સ્પેશિયલ એલિફન્ટ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી છે, જે હાથીને શાંત પાડવા અને તેને સુરક્ષિત રીતે કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે. આ અકસ્માતે ફરી એકવાર મંદિરના તહેવારોમાં હાથીઓના ઉપયોગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ આખા વિસ્તારમાં તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
