હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"બાળકોને આપણે આ શું ભણાવી રહ્યા છીએ?": NCERT ના વિવાદાસ્પદ પાઠ પર PM મોદી લાલઘૂમ; કેબિનેટ બેઠકમાં અધિકારીઓનો લીધો ઉધડો!
ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના ઉલ્લેખ પર વડાપ્રધાનની આકરી નારાજગી, જવાબદારી નક્કી કરવા આપ્યા કડક આદેશ; સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કેન્દ્ર સરકારમાં પણ ખળભળાટ

નવી દિલ્હી: NCERT ના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં કથિત ભ્રષ્ટાચાર અંગેના પ્રકરણને લઈને સર્જાયેલો વિવાદ હવે વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની આકરી ટિપ્પણી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ મામલે અત્યંત તીખી નારાજગી વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ આ પાઠ્યપુસ્તકની સામગ્રી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
કેબિનેટ બેઠક દરમિયાન વડાપ્રધાને શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સંબંધિત મંત્રીઓની હાજરીમાં પૂછ્યું હતું કે, "બાળકોને આપણે આ શું ભણાવી રહ્યા છીએ?" તેમણે સ્પષ્ટ કર્યું કે લોકશાહીના સ્તંભ સમાન સંસ્થાઓ વિશે વિદ્યાર્થીઓના મનમાં નકારાત્મક છબી ઉભી કરવી તે ગંભીર બાબત છે. પીએમ મોદીએ આ પ્રકરણ તૈયાર કરવામાં અને તેને મંજૂરી આપવામાં સામેલ અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આ પાઠને અત્યંત વાંધાજનક ગણાવ્યો હતો. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, "શું તમે બાળકોને એ શીખવવા માંગો છો કે ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?" ત્યારબાદ શિક્ષણ મંત્રાલયે તુરંત જ માફી માંગી હતી અને પુસ્તકની નકલો પાછી ખેંચવાની ખાતરી આપી હતી. જોકે, પીએમ મોદીની સીધી દખલગીરી બાદ હવે શિક્ષણ મંત્રાલયમાં 'ક્લીન-અપ' ડ્રાઈવ શરૂ થવાની શક્યતા છે.
સરકાર હવે એવી વ્યવસ્થા ઊભી કરવા પર વિચાર કરી રહી છે કે ભવિષ્યમાં કોઈપણ પાઠ્યપુસ્તકમાં બંધારણીય સંસ્થાઓ વિશેની સામગ્રી છાપતા પહેલા તેની અનેક સ્તરે ચકાસણી કરવામાં આવે. આ ઘટનાએ શિક્ષણ જગત અને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, કારણ કે આ સીધી રીતે દેશની આવતી પેઢીના ઘડતર સાથે જોડાયેલો મુદ્દો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
