હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંધવગઢ અભયારણ્ય વાઘ માટે 'ડેથ ઝોન': માત્ર ૭૪ દિવસમાં ૮ વાઘના કરુણ મોતથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ, હાઈકોર્ટે માંગી સ્પષ્ટતા!
"ટાઈગર સ્ટેટ" મધ્યપ્રદેશમાં રાજા જ અસુરક્ષિત; વીજળીના કરંટ અને આંતરિક લડાઈએ લીધો શિકાર:૨૦૨૫ માં ૫૪ વાઘના મોતનો આંકડો પ્રોજેક્ટ ટાઈગરના ઈતિહાસમાં સૌથી વધુ!

જબલપુર: મધ્યપ્રદેશનું વિશ્વવિખ્યાત બાંધવગઢ અભયારણ્ય અત્યારે વાઘ માટે સ્વર્ગ નહીં પણ 'મૃત્યુનું મેદાન' બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે પોતે હાઈકોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ૨૧ નવેમ્બર ૨૦૨૫ થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના ટૂંકા ગાળામાં એટલે કે અઢી મહિનામાં જ ૮ વાઘના મોત નિપજ્યા છે. આ આંકડાએ વન્યજીવ સંરક્ષણ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
રિપોર્ટ મુજબ, મૃત્યુ પામેલા ૮ વાઘમાંથી ૪ વાઘના મોત જંગલ વિસ્તારમાં પસાર થતી વીજળીની લાઈનોના કરંટથી થયા છે. વન વિભાગ અને વીજળી વિભાગ વચ્ચેના સંકલનના અભાવે વાઘ વીજળીના છટકાનો ભોગ બની રહ્યા છે. બાકીના ૪ વાઘમાંથી ૨ આંતરિક લડાઈમાં, ૧ કૂવામાં ડૂબી જવાથી અને ૧ બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે. જંગલની અંદર કુદરતી અને બહાર અકુદરતી એમ બંને રીતે વાઘ પર ખતરો મંડાઈ રહ્યો છે.
વન્યજીવ કાર્યકર્તા અજય દુબેની અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ સંજીવ સચદેવની ડિવિઝન બેન્ચે આ મામલાને અત્યંત ગંભીર ગણાવ્યો છે. અરજીમાં દાવો કરાયો છે કે ૨૦૨૫ ના વર્ષમાં મધ્યપ્રદેશમાં રેકોર્ડબ્રેક ૫૪ વાઘના મોત થયા છે, જે 'પ્રોજેક્ટ ટાઈગર' શરૂ થયા પછીનો એક વર્ષમાં સૌથી વધુ આંકડો છે. તેમાંથી ૫૭ ટકા મોત 'અકુદરતી' હોવાનું જણાવાયું છે.
મધ્યપ્રદેશ દેશના કુલ ૨૫ ટકા વાઘનું ઘર છે, પરંતુ જો મોતના આ તાંડવને રોકવામાં નહીં આવે તો "ટાઈગર સ્ટેટ" નો દરજ્જો છીનવાઈ જવાની ભીતિ છે. હાઈકોર્ટે હવે કેન્દ્ર, રાજ્ય સરકાર અને NDRF પાસે જવાબ માંગ્યો છે અને આગામી સુનાવણી ૨૫ માર્ચે નક્કી કરી છે. શું વન વિભાગ જંગલના રાજાને બચાવવા માટે નક્કર પગલાં ભરશે કે પછી બાંધવગઢ માત્ર વાઘના અસ્થિઓનું સંગ્રહાલય બનીને રહી જશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
